કંડલામાંથી સોયા ચોરી કાંડનો પર્દાફાશ

આઠેક ટન બિનવારસુ સોયાનો જથ્થો પોલીસે ઝડપ્યો

ગાંધીધામ : સંકુલના કંડલામાં સીડબ્લ્યુસી ગોડાઉનની પાછળના ભાગેથી પોલીસે બિનવારસુ સોયાનો જથ્થો કબજે કર્યો હતો. સંભવતઃ ગોડાઉનમાંથી મુદ્દામાલ કાઢીને ચોરી કરવાના ઈરાદે રાખાયો હોય તેવું પ્રાથમિક દૃષ્ટીએ માલુમ પડી રહ્યું છે. જોકે, પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ કંડલા પોર્ટના વેસ્ટ ગેટ નં.૧ની બાજુમાંથી પસાર થતા રોડ પર આવેલ જે.એમ.બક્ષી ગોડાઉનની આગળ કાચા રસ્તા ઉપરથી અંદાજે આઠેક ટન બિનવારસુ સોયાનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ અંગે કંડલા પીઆઈ કે.જી. સોલંકીનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે, ગોડાઉન નજીક ખુલી જગ્યામાં બિનવારસુ સોયાનો ઢગલો જોવા મળ્યો હતો. જેને પોલીસે કબજા હેઠળ લઈ મુદ્દામાલ અંગેની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દૃષ્ટીએ શંકાસ્પદ જણાઈ આવેલો સોયાનો જથ્થો આસપાસના કોઈ ગોડાઉનમાંથી ચોરી કરીને લઈ જવાની પેરવી કરાઈ હોવાનો જણાઈ આવે છે ત્યારે આ કોનો જથ્થો છે ? તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

સોયા તસ્કરીમાં આદિપુરની મનીષાના હાથની ચકચાર..!

ગાંધીધામ : કંડલામાં પોલીસ દ્વારા સોયાના જથ્થાને ઝડપી પાડયો છે. સીડબલ્યુસી ગોડાઉનની પાછળના ભાગે પડેલો આટલો મોટો જથ્થો કેવી રીતે આવી ગયો? તે સહિતના અનેકવીધ સવાલો ઉભા થવાની સાથે જ આ પ્રકારની તસ્કરી અને ચોરીઓને લઈને આદિપુરની મનીષાનુ નામ પણ સોયા તસ્કરીમાં ચકચારમાં આવવા પામી રહ્યુ છે. જો તપાસનીશ પોલીસ આ મનીષાના બરાબરના કડક રીમાન્ડ મેળવે તો સોયા ચોરી કાંડમાં કઈક નવા ખુલાસા થવા પામી શકે તેમ જાણકારો માની રહ્યા છે.