કંડલામાંથી એક ટન કાચી ખાંડની ચોરી થતા નોંધાયો ગુનો

ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રકમાં ભરેલ રો-સુગરનો જથ્થો આરોપીઓ નંબર વીનાની બોલેરો ગાડીમાં ભરીને ચોરી ગયા : કંડલા મરીન પોલીસ મથકે મહિલાઓ સહિત નવ સામે નોંધાઈ ફરિયાદ

(ક્રાઈમ પ્રતિનિધિ)ગાંધીધામ : કંડલા પોર્ટમાં વેસ્ટે ગેટ નંબર ૧ ની બાજુમાં પાર્કિંગમાંથી એક ટ્રકમાં લોડ કરેલ ખાંડની બોરીઓમાંથી એક ટન જેટલો રો-સુગરનો જથ્થો ચોરી જતા કંડલા મરીન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ટ્રકમાંથી કાચી ખાંડના જથ્થાના કોથડા ભરીને બોલેરો કેમ્પરમાં લઈને મહિલા સહિત નવ શખ્સો નાસી ગયા હતા. જેને પગલે કંડલા પોલીસે ફરિયાદ નોંધી હતી.પ્રાપ્ત વિગતો મુજબ મીઠીરોહરમાં રહેતા મેહુલભાઈ મંગાભાઈ આહિરે આરોપી મલ્લા સાયચા, ખાતુન ઈબ્રાહીમ સન્ના, ગુડ્ડી, અશ્વિનભાઈ ચૌહાણ, રાજેશભાઈ હરીભાઈ આહિર, ફાતમા ઈલિયાસ અને બીજી ત્રણ અજાણી મહિલાઓ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદી રાધેશ્યામ ટ્રાન્સપોર્ટ કંપનીમાં નોકરી કરે છે, તેની કંપનીની જીજે૧ર. બી.ડબલ્યુ ૮પ૧૦ નંબરની ટ્રકમાં અલગ અલગ વજનના રો-સુગર ભરેલ કોથડા લોડ કરેલા હતા, ત્યારે આરોપીઓએ નંબર પ્લેટ વગરની બોલેરો કેમ્પર ગાડીમાં અંદાજીત એક ટન રો-સુગરનો જથ્થો કિંમત રૂા. ૩૦,૦૦૦/- ભરીને નાસી ગયા હતા. બનાવને પગલે કંડલા મરીન પોલીસે ગુનો નોંધતા પીઆઈ એ. જી. સોલંકીએ આગળની તપાસ હાથ ધરી છે.