ઓહ માય ગૉડ… કોરોના બન્યો વધુ બેકાબૂ : આજે વધુ 68 પોઝિટિવ

રાજ્યમાં પણ રેકોર્ડ બ્રેક 7,410 પોઝિટીવ કેસ નોંધાયા, કોરોના 73 દર્દીઓને ભરખી ગયો

ભુજ : કચ્છમાં કોરોના મહામારી બેકાબૂ બની છે. કોરોનાના પોઝિટીવ કેસોના રોજ નવા વિક્રમો સર્જાઈ રહ્યા છે. સામે રિકવરી રેટ ઓછો હોવાથી એક્ટિવ કેસોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે તો કચ્છમાં કોરોના હદ વટાવી હોય તેમ શરૂઆતથી લઈને અત્યાર સુધીના જૂના તમામ રેકોર્ડ બ્રેક કરીને કોરોનાએ આજે કચ્છમાં 68 લોકોને સંક્રમિત કર્યા હતા. તો રાજ્યમાં 24 કલાકમાં નવા 7,410 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે આ મહામારી ગુજરાતમાં 73 દર્દીઓને ભરખી ગઈ હતી.

કોરોના મહામારીના સંકાજામાં સપડાયેલા કચ્છમાં દિનપ્રતિદિન પોઝિટીવ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. જિલ્લાના મોટેભાગના શહેરોમાં નાઈટ કર્ફ્યુ અમલી બન્યો છે. તો અનેક ગામડાઓમાં પણ સ્વૈચ્છિક લોકડાઉન કરાયો છે, તેમ છતાં કોરોનાના કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે. મંગળેવારે કચ્છમાં 58 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા બાદ આજે બુધવારે 10 કેસોના વધારા સાથે જિલ્લામાં અત્યાર સુધીના એક દિવસના સર્વાધિક 68 પોઝિટીવ કેસો સામે આવ્યા છે. તો સમગ્ર રાજ્યમાં આજે કોરોના રેકોર્ડ બ્રેક નવા 7,410 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા હતા. કચ્છની જ વાત કરીએ તો જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પોઝિટીવ દર્દીઓનો આંક 50થી વધુ નોંધાઈ રહ્યો છે. ત્યારે આજે પણ એક સામટા 68 કેસો સામે આવતા કોરોનાનો નવો રેકોર્ડ સર્જાયો છે. કચ્છમાં કુદકેને ભુસકે વધતા કોરોનાના કેસોને કારણે ભયનું લખલખું પ્રસરી ગયું છે. તો આજે પણ કચ્છમાં કોરોના પોઝિટીવ 21 દર્દીઓ સાજા થતા તેઓને ડિસ્ચાર્જ અપાયુ હતુ. કચ્છમાં વધુ 68 પોઝિટીવ કેસ સામે આવતા જિલ્લામાં કુલ પોઝિટીવ કેસનો આંક 5,593 થયો છે. જ્યારે જિલ્લા અત્યાર સુધી 4987 દર્દીઓ સ્વસ્થ થઈ ચુક્યા છે. તો જિલ્લામાં હાલની સ્થિતિએ કોરોનાના 494 કેસો એક્ટિવ છે.