ઓઢવઃ પિતા-ભાઈના ત્રાસથી કંટાળેલા મોટાભાઈએ કેરોસીન છાંટી કર્યો આપઘાત

(જી.એન.એસ)અમદાવાદ,ઓઢવમાં પરિણીતાએ તેના સસરા અને દિયરના વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. જેમાં એવી રજૂઆત કરાઈ છે કે, પતિને સસરા અને નાનો ભાઈ પૈસાની માગણી કરી હેરાન કરતા હતા, જેથી તંગ આવીને પતિએ કેરોસીન છાંટી આગ ચાંપીને આપઘાત કર્યો હતો. આ અંગે ઓઢવ પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ આદરી છે.ઓઢવના આદિનાથનગર મુનપાર્ક સોસાયટીમાં રહેતા સવિતાબેન ભાસ્કરભાઈ કુલાળ (ઉં.૩૬)એ તેમની ફરિયાદમાં રજૂઆત કરી છે કે, સસરા નારણભાઈ અને દિયરે નિતેશે પતિ ભાસ્કરભાઈ પાસે દર મહિને ચાર હજારની માગણી કરી હતી. જોકે પતિનો પગાર ઓછો હોવાથી તેઓ સમયસર પૈસા આપી શકતા ન હતા. જેથી સસરા અવારનવાર પૈસા માગી ઝગડો કરતા હતા. બીજી બાજુ દિયરે સસરા સામે સાસુના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી ગોલમાલ કર્યો હોવાનો ખોટો આરોપ ભાસ્કરભાઈ પર લગાવ્યો હતો.દરમિયાન રવિવારના રોજ સસરાએ કહ્યું કે,‘તું મને વાપરવા પૈસા કેમ આપતો નથી. તું મકાન માલિક થઇ ગયો છે. આ મકાન હું વેચી દેવાનો છું,’ તેમ કહી ઠપકો આપ્યો હતો. એ વાતનું ભાસ્કરભાઈને માઠું લાગતા બપોરના સમયે ઘરમાં પોતાના પર કેરોસીન છાંટી આંગ ચાંપી દીધી હતી. જોકે મહિલાએ ૧૦૮ને ફોન કરી, પતિને સિવિલ લઇ ગઇ હતી. પતિ ગંભીર રીતે દાઝ્યા હોવાથી આખરે મોત નીપજ્યું હતું.મૃતકની સારવાર ચાલતી હતી એ સમયે પતિએ પોલીસ સમક્ષ જુબાની આપતા કહ્યું હતું, તેમના પિતા અને નાનો ભાઇ અવારનવાર પૈસાની માગણી કરી ત્રાસ આપતા હતા. તેઓ ઘરમાં મોટા હોવા છતાં તેમને માન આપતા નહોતા અને ખોટા આરોપ લગાવી હેરાન કરતા હતા. જેથી મરી જવા માટે કેરોસીન છાંટી આગ ચાંપી હતી.