ઓક્સિજન સિલિન્ડરનો કાળાબજારમાં વેપલોઃ મેડિકલ માફિયાની ધરપકડ

(જી.એન.એસ.)વડોદરા,કોરોનાની મહામારીમાં દર્દીઓ માટે જરૂરી રેમડેસિવિર ઇન્જેક્શનો સહિતની દવાઓ અને સાધનોની કાળાબજારીએ માઝા મૂકી દીધી છે, ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાંચે દર્દીઓને જીવતદાન આપતા મેડિકલ ઓક્સિજન સિલિન્ડરના થઇ રહેલા કાળાબજારનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાંચે અમદાવાદથી ત્રણ મેડિકલ સિલિન્ડરને વડોદરા આવી રહેલા મેડિકલ માફિયાને ૫.૮૭ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડેલા મેડિકલ ઓક્સિજન સિલિન્ડરના કેસમાં કૌંભાડનું મોટું રેકેટ બહાર આવે તેવી શક્યતાઓ છે.
વડોદરા ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, કોરોનાની મહામારીમાં મેડિકલ ઓક્સિજનની ભારે જરૂરીયાત ઉભી થઇ છે, જેનો ફાયદો ઉઠાવી કેટલાક મેડિકલ માફિયાઓ માનવતાને નેવે મૂકીને દર્દીઓને જીવતદાન આપતા મેડિકલ ઓક્સિજન સિલિન્ડરની પણ કાળાબજારી કરી રહ્યા છે. જેથી ડી.સી.પી. જયદીપસિંહ જાડેજા અને એ.સી.પી. ડી.એસ. ચૌહાણના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એ.બી. જાડેજા અને પી.આઇ. વી.આર. ખેરની ટીમે મેડિકલ ઓક્સિજન સિલિન્ડરના કાળાબજારી કરતી ટોળકીને ઝડપી પાડવા માટે વોચ ગોઠવી હતી.