ઓક્સિજનનો પર્યાપ્ત જથ્થો ન મળવાથી કચ્છની અમુક પ્રાઈવેટ હોસ્પિટલો સંકેલો કરવા ભણી

ઓક્સિજન જ ન હોય તો દર્દીને દાખલ કેમ કરવા ? : મહામારીની સ્થિતિમાં કોઈ પોતાના શિરે જવાબદારી લેવા તૈયાર નથી : ખાનગી હોસ્પિટલો નવા દર્દીઓને દાખલ કરવાનું ટાળી રહી છે

ભુજ : કચ્છમાં કોરોના મહામારીની બીજી લહેરનો વ્યાપ સતત વધી રહ્યો છે. સંક્રમણની સાથે મોતનું પ્રમાણ પણ વધ્યું છે. તંત્ર તરફથી તામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલબત્ત સમગ્ર સ્થળોએ પહોંચી શકાતું નથી. પરિણામે અવ્યવસ્થા સર્જાઈ રહી છે. હાલની જો વાત કરીએ તો જિલ્લામાં ઓક્સિજન સિલીન્ડરની માંગ એકાએક વધી ગઈ છે. તંત્રએ ફરમાન બહાર પાડ્યું છે કે, કચ્છમાં જે ઓક્સિજન ઉત્પાદિત થાય છે તેનો માત્ર મેડિકલ વપરાશ જ કરવો. પરિણામે તંત્રએ ઓક્સિજન ઉત્પાદનથી લઈ વિતરણ સુધીની તમામ પ્રક્રિયા પોતાના હસ્તક સંભાળી લીધી છે, જેથી તંત્ર સરકારી હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો પહોંચાડે છે, પણ પ્રાઈવેટ કોવિડ કેર સેન્ટરો કે દવાખાનામાં ઓક્સિજન પહોંચતા નથી. અગર પહોંચે છે તો જથ્થો અપર્યાપ્ત છે.હાલની સ્સ્થિતિ ઘણી નાજુક છે. કોઈનું સ્વજન બીમાર હોય અને તાત્કાલિક ઓક્સિજનની જરૂરિયાત હોય તો તરત હોસ્પિટલમાં જાય છે. સરકારીમાં જગ્યા ન મળે તો પ્રાઈવેટમાં જાય છે, પરંતુ પ્રાઈવેટમાં ઓક્સિજન ન હોવાથી સંચાલકો ના પાડી દે છે. રીસ્ક લેવા કોઈ તૈયાર નથી. જિલ્લાની અમુક ખાનગી હોસ્પિટલોએ તો ઓક્સિજનની અછતના કારણે સંકેલો કરવાની તજવીજ શરૂ કરી છે. એક સંચાલકે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, અમારી પાસે મેડિકલ ટીમ છે, સાધનો છે, પણ ઓક્સિજન નથી. કંપનીઓમાંથી પણ જથ્થો મળતો નથી. કોઈ સ્વજન અગાર રિફીલીંગ કરાવવા જાય તો નવા નિયમ પ્રમાણે તેને પણ ના પાડી દેવાય છે. હોમ આઈસોલેટમાં સ્વજન દાખલ હોય અને ઓક્સિજન ખૂટી જાય તો તેઓ રિફીલીંગ માટે દોડે છે, પણ કંપનીઓ ભરી આપતી નથી. તંત્રએ વિતરણ વ્યવસ્થા પોતા હસ્તક સંભાળી લેતા કડકાઈ થકી સામાન્ય લોકો મુસીબતમાં મૂકાઈ રહ્યા છે. કેટલાક લોકોએ તો ઓક્સિજન સિલીન્ડર સંગ્રહીને રાખ્યા છે. આવી મહામારીની સ્થિતિમાં તમામ સ્થળોએ પ્રાણવાયુ પહોંચી રહે તે જરૂરી છે. પહેલા માણસો રૂપિયા પાછળ દોડતા હવે પ્રાણ બચાવવા માટે પ્રાણવાયુની પાછળ દિવસ-રાત દોડી રહ્યા છે.

  • તંત્રના નવા નિયમથી મેડિકલ વપરાશ માટે પણ કંપનીઓ રિફીલીંગ નથી કરી આપતી

ડોક્ટરની ભલામણ ચિઠ્ઠી સાથે કંપનીઓ સિલીન્ડરનું રિફીલીંગ કરી આપે તો ઘરે રહીને પણ દર્દીઓ થાય સાજા

ભુજ : હાલમાં તંત્રએ નવો નિયમ લાગુ કરી માત્ર મેડિકલ વપરાશ માટે ઓક્સિજનનો ઉપયોગ થશે તેવું જણાવ્યું છે. અલબત્ત આ જથ્થો માત્ર કંપનીઓ દ્વારા સીધુ હોસ્પિટલને આપવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ જ્યારે રિફીલીંગ માટે જાય તો તંત્રનું બહાનુ આગળ ધરી ના પાડી દેવાય છે. અગાઉ ડિસ્ટ્રીબ્યુટર્સને ત્યાં રિફીલીંગ થતું હતું તે હવે બંધ થઈ ગયું છે, જેના કારણે હોમ આઈસોલેટમાં રહેલા દર્દીને કેવી રીતે ઓક્સિજન આપવો તેની વિમાસણમાં સ્વજનો મૂકાઈ ગયા છે. જેમ રેમડેસિવીરનું વિતરણ તબીબી ચિઠ્ઠી સાથે હોય તો ઈન્જેક્શન મળે છે તેવી રીતે હોમ આઈસોલેટમાં રહેલા દર્દીના સગા પાસે તબીબી ચિઠ્ઠી હોય તો તેને ડિસ્ટ્રીબ્યુટર ઓક્સિજન ભરી આપે તો આવા દર્દીઓ ઘરે પણ સાજા થઈ શકે તેમ છે. અન્યથા તેઓને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડશે, જેના કારણે હોસ્પિટલોમાં ફરી દર્દીઓનું ભારણ વધશે. આ અગવડતા દૂર કરવી તાત્કાલિક જરૂરી છે.