ઓક્સિજનના અભાવે કચ્છના લોકોને મરવા ન દેવાય : કેશુભાઈ પટેલ

image description

ખાનગી હોસ્પિટલોને જથ્થો મળતો નથી, સિલિન્ડર રિફીલીંગ થતા નથી સહિતની ફરિયાદો વધતા જિલ્લા ભાજપ અધ્યક્ષે ઠાલવ્યો બળાપો : કલેકટર અને પ્રભારી સચિવનું ત્વરીત ધ્યાન દોરી તમામ લોકોને પ્રાણવાયુ મળી રહે તે માટે કામ કરવાની ધરપત આપી

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોનાના એક્ટિવ કેસો સતત વધી રહ્યા છે. સાથે નવી હોસ્પિટલો પણ ખુલી રહી છે, જેના કારણે કચ્છમાં એકાએક પ્રાણવાયુની અછત સર્જાઈ છે. સહકારી તંત્રો સરકારી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરમાં ઓક્સિજન પહોંચાડવા દોડધામ કરી રહ્યા છે.જથ્થો બચે તો જ પ્રાઈવેટને મળે ઉપરાંત દર્દીના સગા રીફીલીંગ પણ કરાવી શકતા નથી. આવા સમયે ઓક્સિજના અભાવે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે, જે અયોગ્ય બાબત છે. સરકાર અને તંત્રની જવાબદારી છે કે તમામ નાગરીકોને અહીં આરોગ્ય સેવા મળે અને ઓક્સિજન મળે, ઓક્સિજનના અભાવે લોકોને તડપતા અને મોતને ભેટતા જોઈ શકાય નહીં. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે જણાવ્યું કે, હા મારી પાસે પણ આવી ફરિયાદો આવી છે. ઓક્સિજનના અભાવે લોકોને મરતા જોઈ શકાય નહીં. દેશમાં ઉત્પાદીત થતા ઓક્સિજન પર સૌ નાગરીકોનો અધિકાર છે. આપણે કોઈને વંચિત રાખી શકીએ નહીં. સરકાર પોતાના તમામ પ્રયાસો કરી રહી છે પણ દર્દીઓ વધ્યા છે અને હોસ્પિટલો પણ વધી છે. આવા સંજોગોમાં ઓક્સિજન વિતરણનું યોગ્ય આયોજન જરૂરી છે. કેશુભાઈએ જણાવ્યું કે, તેઓના ધ્યાને આવ્યું છફે કે જે હોસ્પિટલમાં ૧૦૦ સીલીન્ડરની જરૂરીયાત હોય ત્યાં ૧ર૦ થી ૧રપ સીલીન્ડરનો વપરાશ થાય છે. ઘણી જગ્યાએ લીકેજ, મીસયુઝ પણ થાય છે. હાલના સંજોગોમાં પ્રાણવાયુ કિંમતી વસ્તુ છે તેનો વ્યય થવા દેવાય નહીં આ બાબતે કલેકટર અને પ્રભારી સચિવ સાથે ચર્ચા કરવામાં આવશે. તમામ દર્દીઓને ઓક્સિજન મળી રહે એ માટે ચર્ચા વિમર્શ કરવામાં આવશે. કચ્છમાંથી ઓક્સિજનનો જથ્થો બહાર જાય છે તેવું પુછતા કહયું કે, ઓક્સિજન પર સૌનો અધિકાર છે, જે જિલ્લામાં ઓક્સિજનનું ઉત્પાદન ન થાય ત્યાંના લોકોને મરવા થોડી દેવાય, આપણા જિલ્લામાં ઉત્પાદન છે તો કદાચ થોડો જથ્થો બીજા જિલ્લામાં જતો હશે જે આપણા ત્યાં પ્લાન્ટ ન હોય તો બહારથી અન્ય જિલ્લા પર નિર્ભર રહેવું પડે. આ સમયમાં સૌનો સરકાર જરૂરી છે. ઓક્સિજન તમામ દર્દીઓને મળી રહે એ માટે તમામ પ્રયાસો કરવામાં આવશે.