એન્ટીલિયા કેસ : વધુ એક કચ્છ કડીનો ખુલાસો

સીમકાર્ડ જેના નામે એક્ટિવ થયા હતા તે ગાયત્રી ટ્રેડર્સનો માલિક કિશોર કચ્છ ઉપરાંત રાધનપુર બાજુ કોલસા તેમજ એરંડા સહિતની ખેતપેદાશોની કરે છે લે-વેચ

(બ્યુરો દ્વારા)ભુજ : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મુકેશ અંબાણીના ઘર નજીકથી વિસ્ફોટક ભરેલી મળેલી કારના પ્રકરણમાં જેમ જેમ તપાસ આગળ ધપી રહી છે તેમ તેમ નવા નવા ધડાકાઓ થઈ રહ્યા છે. પોલીસ અધિકારી સચિન વાઝેને સીમકાર્ડ ઉપલબ્ધ કરાવવામાં મુળ ભુજના બુકી નરેશ ગોરની સંડોવણી બહાર આવી ચુકી છે, ત્યારે એન્ટીલિયા કેસમાં વધુ એક કચ્છ કડીનો ખુલાસો થતા ફરી આ સરહદી જિલ્લો ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો છે.આ અંગેની વિગતે વાત કરીએ તો કચ્છ જિલ્લાનો મુંબઈ સાથે પારીવારીક તેમજ ધંધાકીય નાતો હોઈ કચ્છ – મુંબઈ એક બીજાના પર્યાય સમાન છે. જો કે, મુંબઈમાં ઘટતી અનેક ચકચારી ઘટનાઓમાં પણ અનેક વખત કચ્છ કનેક્શન સામે આવી ચુકયું છે. ભૂતકાળમાં થયેલી દાણચોરીની વાત હોય કે, પછી આતંકી હુમલાની. તેમાં પણ કયાંકને કયાંક કચ્છની કડી સામે આવી ચુકી છે ત્યારે એન્ટીલિયા કેસમાં પણ એક પછી એક કચ્છ કડી ખુલી રહી છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં એટીએસએ સચિન વાઝેને સીમકાર્ડ પુરા પાડનારા મુળ કચ્છ-ભુજના નરેશ ગોર અને વિનાયક શિંદેની ધરપકડ બાદ અમદાવાદ કનેક્શન ખુલતા ગુજરાતમાં એટીએસએ ધામા નાખ્યા હતા. અમદાવાદ જીઆઈડીસીમાં ફેકટરીના માલિકે પોતાના નામે ૧૪ સીમકાર્ડ ખરીદ્યા હતા. આ ફેકટરી માલીકનું કિશોર છે. કિશોરે ગાયત્રી ટ્રેડર્સના નામે સીમકાર્ડ ખરીદી એક્ટિવ કરાવ્યા હતા. આ તમામ સીમકાર્ડમાંથી પાંચ સીમકાર્ડ એન્ટીલિયા કેસમાં વાપરવામાં આવ્યા હતા. ગાયત્રી ટ્રેડર્સનું રજીસ્ટ્રેશન પાટણમાં થયું હોવાનું ખુલ્યું છે. ગાયત્રી ટ્રેડર્સનો માલિક કિશોર કચ્છ ઉપરાંત રાધનપુર બાજુ કોલસા તેમજ એરંડા સહિતની ખેતપેદાશોની લે-વેચ કરતો હોવાનું પણ બહાર આવ્યું છે. મુંબઈ એટીએસ દ્વારા સીમકાર્ડના ઉપયોગના મામલામાં કિશોરને નરેશ ગોર વચ્ચેના વ્યવહારોની કડીઓ પણ તપાસાઈ રહી છે.