એનસીબીએ ફારૂક બટાટાના દીકરા શાદાબને ૨ કરોડના ડ્રગ્સ સાથે ઝડપી લીધો

(જી.એન.એસ)મુંબઈ,નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ મુંબઈના સૌથી મોટા ડ્રગ્સ સપ્લાયર ફારૂક બટાટાના દીકરા શાદાબ બટાટાને ઝડપી લીધો છે. ૨ કરોડ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે શાદાબની ધરપકડ કરવામાં આવી હતી અને આ સાથે જ એનસીબીને ભારે મોટી સફળતા હાથ લાગી છે તેમ કહી શકાય.એનસીબીએ ગુરૂવારે અને શુક્રવારે મુંબઈના લોખંડવાલા, વર્સોવા અને મીરા રોડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન એનસીબીએ અનેક લક્ઝરી કાર જપ્ત કરી હતી અને તમામ કાર સીઝ કરી દેવામાં આવી છે.ફારૂખ બટાટાનો દીકરો શાદાબ બોલીવુડની પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. મુંબઈમાં વિદેશથી આવતા ડ્રગ્સનો સૌથી મોટો સપ્લાયર ફારૂખ બટાટા જ છે. શાદાબ પાસેથી પૈસા ગણવાનું મશીન પણ મળી આવ્યું છે. હાલ તેની પુછપરછ કરવામાં આવી રહી છે અને તે કોના-કોના સાથે કનેક્શન ધરાવે છે તેની તપાસ ચાલુ છે.એનસીબી ની ટીમે અગાઉ ૭ માર્ચ, ૨૦૨૧ના રોજ ગોવામાં એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. એનસીબીએ સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસ સાથે સંકળાયેલા આરોપીઓ પાસેથી મળેલી જાણકારીના આધારે ગોવામાં દરોડો પાડ્યો હતો અને મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કર્યું હતું.