એકલધામમાં આઝાદીના અમૃત મહોત્સવની અનોખી ઉજવણી

0
33

રાપર : દેશની આઝાદી માટેના ૧૮૫૭ના વિપ્લવમાં ભાગવામાં સફળ રહેલા ક્રાંતીકારીઓમાંના પાંચ ક્રાંતીકારીઓ વાગડ વિસ્તારના દુર્ગમ સ્થાનોમાં છૂપી રીતે રહેવામાં ભગવાં ધારણ કર્યા અને ભક્તિનો રંગ એવો લગાડ્યો અને સાધના એવી કરી કે એ મહાત્મા તરીકે ઓળખાયા. આ ક્રાંતીકારીઓને અને એમના સિધ્ધ જીવનને યાદ કરી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દરેક જગ્યાએ વિશિષ્ટ કાર્યક્રમ યોજી સાચા અર્થમાં ઉજવણી કરવાનું નક્કી કર્યું હોઈ એ કાર્યક્રમ પૈકી એકલધામ મધ્યે કાર્યક્રમ યોજાયો હતો.જ્યાં ક્રાંતીકારીએ રૂદ્ર-ભદ્ર નામ ધારણ કરી સિધ્ધ તપ આદર્યું હતું. એમની યાદ તાજી કરી એ ક્રાતીકારી મહાત્માને સૌએ અંજલી અર્પી હતી સાથે અહી શિવાલય હોઈ રૂદ્રી કરાઈ હતી અને ત્રિરંગા વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં વાગડના બંન્ને તાલુકા ભાજપના પ્રમુખો, આસપાસ ગામોના સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વ્યવસ્થા એકલ મંદિરના મહંત યોગી દેવનાથ દ્વારા કરવામાં આવી હતી.