એકના ડબલ કરવાની લાલચ આપી લાખોની છેતરપિંડી આચરીઃ ૧ની ધરપકડ

(જી.એન.એસ.)વલસાડ,વલસાડ જિલ્લામાં ફરી એક વખત એકના ડબલ કરી આપવાની લાલચ આપી લોકો પાસેથી લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાની પોલીસ ફરિયાદ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ વખતે વલસાડ જિલ્લા પંચાયતના માજી સભ્ય અને એક વખત ધારાસભ્યની પણ ચૂંટણી લડી ચૂકેલા એવા એક આરોપી અને બિલ્ડર વિરૂધ્ધ રૂપિયા ૩૩.૬૦ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ દાખલ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે એસએમપીએલ કંપનીના સંચાલક એવા આરોપી બિલ્ડર વિનોદ પ્રજાપતિની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. જોકે, આ કંપનીનો માસ્ટરમાઈન્ડ એવો રાજકારણી ચેતન પટેલ હજુ સુધી પોલીસ પકડથી દૂર છે.
વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ, વલસાડ નગરપાલિકાના એક માજી કર્મચારી પરિમલ જેરોમએ વર્ષ ૨૦૧૧માં વલસાડ જિલ્લા પંચાયતના માજી સભ્ય અને લીલાપુરના બિલ્ડર વિનોદ પ્રજાપતિએ સ્થાપેલી એસએમપીએલ નામની એક રિયલ્ટી કંપનીમાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. એસએમપીએલ કંપની દ્વારા રોકાણકારોને ૪૨ મહિનામાં એટલે કે માત્ર સાડા ૩ વર્ષમાં જ તેમના રોકેલા નાણા ડબલ પરત આપવામાં આવશે અને જો નાણાં પરત આપવામાં ન આવે તો રોકાણકારોને જમીનના પ્લોટ આપવામાં આવશે. આવી લોભામણી લાલચ આપી અનેક લોકો પાસેથી લાખો રૂપિયા એકઠા કર્યા હતા.જોકે, વર્ષ ૨૦૧૧માં સ્થપાયેલી આ કંપનીની શરૂઆતમાં જે લોકોએ નાણા રોક્યા હતા તે લોકોને વર્ષ ૨૦૧૫માં ડબલ વળતર આપવા સ્ટેમ્પ પેપર ઉપર લેખિતમાં નોટરી કરીને પણ ખાતરી આપી હતી. પરંતુ મુદત વિત્યાંને વર્ષો થયા બાદ પણ હજુ સુધી આ કંપની સંચાલકોએ રોકાણકારોને તેમણે આપેલા વચન પ્રમાણે વળતર આપ્યું નથી. એકના ડબલની વાત તો દૂર રહી પરંતુ રોકાણકારોએ રોકેલા મૂળ રકમ પણ પરત આપવામાં નથી આવી.