ઉનાળામાં પાણીની રામાયણ શરૂ, પા.પૂ. બોર્ડ ઘોર નિંદ્રામાં

ભુજ તાલુકાના ખાવડા પચ્છમ, છેવાડાના લખપત, અબડાસા તેમજ વાગડ પંંથકના અમુક ગામો મળી જિલ્લામાં ફરી જળનો કકળાટ થયો શરૂ : ગરમીનો પારો મધ્યાહને પહોંચશે ત્યારે શહેરી વિસ્તારમાં મહિલાઓના મોરચા નગરપાલિકા ગજવશે

ભુજ : સરહદી એવા જિલ્લામાં હજુ તો ઉનાળાની ગરમીની શરૂઆત થઈ છે, તેવામાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પાણીનો કકળાટ સામે આવી રહ્યો છે. જયારે ગરમીનો પારો મધ્યાહને પહોંચશે ત્યારે પાણીનો પ્રશ્ન કચ્છીઓ માટે પેચિંદો બની જશે તેમાં પણ શંકાને સ્થાન નથી. આ વર્ષે જિલ્લામાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જો કે પાણી પુરવઠા બોર્ડના જિલ્લા અને તાલુકાના અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ અને અહમના કારણે અત્યારથી જ પાણીની રામાયણ શરૂ થઈ ગઈ છે. તે જોતા આવનારા દિવસોમાં પ્રજાકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકોના રોષનો ભોગ બનવાનો વારો પણ આવી શકે છે.આ અંગેની વાત કરીએ તો પાટનગર ભુજ શહેરમાં અત્યારથી જ અમુક વિસ્તારોમાં ત્રણ – ચાર દિવસે પાણી આવે છે. નગરપાલિકા દ્વારા દરરોજ ૮૦થી ૧૦૦ ટેન્કરના ફેરા કરવા પડે છે, જે દર્શાવે છે કે પાણીની પળોજણ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. તો તાલુકામાં ખાવડા, બન્ની પચ્છમના વિસ્તારોમાં પણ પાણી સંગ્રહ માટે કોઈ સ્ત્રોત ન હોવાથી જળ કટોકટીનો સમાનો કરવાની નોબત આવી છે. મોટાભાગના ડેમો અને તળાવો પણ તળિયા ઝાટક થવાની અણીએ આવી ગયા છે. નાના દિનારા, અલૈયાવાંઢ, મોટા દિનારા, ધ્રોબાણા, હુસેનીવાંઢ, કોટડા, સુમરાપોર, કુરન, ઢંઢી, મોટા બાંધા સહિતના પંથકમાં પાણીનો પ્રશ્ન પેચીંદો બન્યો છે. અત્યારથી જ પાણીના ધાંધિયા સરહદી ગામોમાં શરૂ થઈ ગયો છે.
લખપત તાલુકો શરૂઆતથી પાણીની સમસ્યાનો સામનો કરે છે. અમુક ગામોમાં આજે પણ ટેન્કર આવે તો જ પાણી મળે છે. દયાપર પાણી પુરવઠા કચેરીએ લોકોએ હલ્લાબોલ કર્યા બાદ તંત્ર દ્વારા ખાતરી અપાઈ છે, પરંતુ હજુ પણ પાણીની સમસ્યા યથાવત છે. આ તરફ અબડાસાના ડુમરા, વરંડી મોટી સહિતના આસપાસના ગામોમાં દસ દિવસ ઉપરાંતના સમયથી પાણીનું વિતરણ થયું નથી. પાણી પુરવઠા બોર્ડના જવાબદારો લોકોના પ્રશ્નનો જવાબ આપતા નથી. ડેમમાંથી લોકોને પાણી પહોંચાડવામાં પણ તંત્ર વામણું પુરવાર થતાં આવનારા ઉનાળાના દિવસો અબડાસા વાસીઓ માટે કપરા બની રહેશે તેવો સવાલ પણ ઉઠાવાયો છે. બીજીતરફ વાગડના રાપર અને ભચાઉ તાલુકાના ખડીર, ધોળાવીરા સહિતના સરહદી ગામો તેમજ શહેરી વિસ્તારોમાં પણ લોકો અનિયમિત પાણી મળતું હોવાની રાવ કરી રહ્યા છે. ભર ઉનાળામાં પાણી ખપત વધારે રહેશે, પરંતુ જો આટલો જ જથ્થો મળશે તો વાંઢમાં રહેતા લોકોને તરસ્યા રહેવાનો પણ વારો આવી શકે છે. ગાંધીધામ અને અંજાર શહેરની બાજુમાં ટપ્પર ડેમ હોવા છતાં આયોજનના અભાવે નગરપાલિકા વિસ્તારમાં નિયમિત પાણી પહોંચતું નથી. શિયાળો તો વીતિ ગયો પરંતુ ભર ઉનાળામાં પાણીની જરૂરિયાત વધતા લોકોનો ગરમીનો પારો આસમાને આંબી જશે તેમાં પણ શંકાને સ્થાન નથી. માંડવી અને મુંદરા શહેર દરિયાઈ કાંઠે આવેલા છે અહીં દરિયાના પાણીને મીઠુ બનાવવા માટેના પ્લાન્ટનું ભૂમિપૂજન થઈ ચુકયું છે. આ પ્લાન્ટ કાર્યરત થાય તે બાદ લોકોને સ્થાનિકે પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ રહેશે, પરંતુ હાલના સંજોગોએ ડેમ પર નિર્ભર રહેવાનું હોવાથી આવનારા દિવસો પાણીની બૂમરાડ ઉઠે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. બારડોલી લેખાતા નખત્રાણા ટાઉન પર સૌથી વધુ મેઘરાજાએ મહેર વરસાવી હતી, પરંતુ વરસાદી જળ સંગ્રહ કરવામાં ઢીલાસ જણાઈ આવતા મે મહિનો અહીંના લોકો માટે કઠીન સાબિત થાય તો પણ નવાઈ નહીં.ગત વર્ષે તો એપ્રીલ અને મે મહિના દરમિયાન લોકડાઉન હોવાથી નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પાણીના મોરચા જોવા મળ્યા ન હતા. પરંતુ આ વખતે પાણી પુરવઠા બોર્ડના જિલ્લા ભુજના વડા અધિકારી અને દસ તાલુકામાં એસી ચેમ્બરોમાં બિરાજતા અધિકારીઓ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી મોરચાઓ જોવા મળશે. સાથે નવા પદ ભાર સંભાળેલા નેતાઓની ટેબલ પર પાણી પ્રશ્નની ફાઈલોના ટેકરા થશે. ખરેખર હજુ પણ સમય છે ત્યારે ઉનાળામાં નગરપાલિકા અને ગ્રામ પંચાયતોને રોજિંદા વપરાશ ઉપરાંત વધુ પેયજળનો જથ્થો પહોંચતો કરાય તે જનહિતમાં રહેશે.