ઈન્જેક્શન વિતરણનું કેન્દ્ર ન ફાળવાતા ‘દાઝયા પર ડામ જેવી સ્થિતિ’ : મ્યુકોરમાઈકોસીસ મહામારીમાં કચ્છને હળાહળ અન્યાય

કોરોના સંક્રમીત દર્દીઓમાં ફંગલ ઈન્ફેક્શન વધતા રાજયમાં તેને મહામારી ઘોષિત કરાઈ : કચ્છમાં ઈન્જેક્શનના અભાવે દર્દીઓ મરી રહ્યા છે, જાેકે મહાનગરોમાં ખાનગી હોસ્પિટલોને પણ ઈન્જેક્શન વિતરણની અપાઈ મંજૂરી : ચોબારીના બે દર્દીઓના ઈન્જેક્શનના અભાવે મોત નિપજયા તે લાલબતીરૂપ કિસ્સો : કોવિડ કેર સેન્ટરના ઉદ્‌ઘાટન તેમજ વ્યવસ્થાઓની જાહેરાતો કરી ફોટો પડાવતા નેતાઓ સંવેદનશીલ મુદ્દા અંગે કેમ ચૂપ ?

ભુજ  : ગુજરાત હજુ કોરોના મહામારીમાંથી બહાર નથી આવ્યું ત્યાં બીજી મહામારીએ ગુજરાતને ઘર બનાવી લીધું હોય તેમ સંક્રમણનો વ્યાપ વધી રહ્યો છે. આ બિમારીનું નામ છે મ્યુકોરમાઈકોસીસ. કોરોનામાંથી સાજા થયા બાદ મોટી સંખ્યામાં દર્દીઓને આ બિમારીનો ચેપ લાગી રહ્યો છે, જેમાં નાકની અંદરના ભાગે ફંગલ્સનું પ્રમાણ વધી ગયું હોય છે. અમુક કિસ્સાઓમાં આંખમાં પણ ઈન્ફેક્શન લાગે છે. આ રોગની સારવાર માટે જરૂરી એવા લાઈપોઝોમ એમ્ફો ટેરીસન ઈન્જેક્શનની હાલ રાજયમાં ભારે અછત છે. કચ્છમાં આ બિમારીના કેસો જાેવા મળે છે. વિધિની વક્રતા ત્યાં છે કે, ઈન્જેક્શનના અભાવે કચ્છમાં દર્દીઓ મરી રહ્યા છે, છતાં કચ્છને અન્યાય થઈ રહ્યો છે.

આ અંગેની વિગતો મુજબ રાજયમાં મ્યુકોરમાઈકોસીસના કેસો વધતા રૂપાણી સરકારે આ બિમારીને મહામારી ઘોષિત કરી છે, જેથી આ રોગની સારવાર માટે સરકાર વધુ સજાગ બની છે. કચ્છમાં હજુ કોરોના મહામારી અંકુશમાં આવી નથી, ત્યાં મ્યુકોરમાઈકોસીસ મહામારીએ માથું ઉચકયું છે. છેલ્લા ૧પ દિવસથી ચિંતાજનક રીતે દર્દીઓ ઉમેરાઈ રહ્યા છે. આ દર્દીઓમાં આંખમાં કે નાકના ભાગે ઈન્ફેકશન ફેલાતું હોય છે. જાે સમયસર સારવાર ન મળે તો આ ઈન્ફેકશન મગજમાં પણ ફેલાઈ જાય છે, તેની સારવાર માટે ઈન્જેક્શન આપવું જરૂરી છે, જે રાજયમાં હાલ મહાનગરોમાં જ મળે છે. કચ્છમાં હજુ સુધી આ ઈન્જેક્શન મળતા નથી. ભુજની જી.કે. હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે, અને દર્દીઓની સારવાર કરવામાં આવે છે પરંતુ ખાટલે મોટી ખોટ હોય તેમ હજુ સુધી આ બિમારીના ઈન્જેક્શન સ્થાનીકે મળતા નથી. ખુદ જી.કે.માં અમદાવાદથી ઈન્જેક્શન આવે છે. ખાનગી મેડિકલોમાં પણ ઈન્જેક્શન કયાંય મળતા નથી.  રાજયમાં આ મહામારીમાં દર્દીઓને ઈન્જેક્શન મળી રહે તે માટે સરકાર દ્વારા અમદાવાદની સાત હોસ્પિટલોમાં ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવાયા છે. જેથી દર્દીના સગા હોસ્પિટલમાંથી મેળવી શકે છે. કચ્છમાં પણ આ બિમારીના કેસો વધી રહ્યા છે. ચોબારીના બે દર્દીઓએ તો ઈન્જેક્શનના અભાવે દમ તોડી દીધું. જાે તેઓને સમયસર ઈન્જેક્શન મળત તો તેઓ આજે પરિવારની સાથે હોત, પણ કચ્છને દર વખતે અન્યાય થતો આવ્યો છે. આ વખતે પણ અન્યાય થયો છે. હજુ પણ દર્દીઓ જી.કે.માં દાખલ છે તેઓની ઈન્જેક્શનના અભાવે પરિસ્થિતિ ન કથળે તે વિચારી જિલ્લામાં જી.કે.માં આ બિમારીના ઈન્જેક્શન સરળતાથી મળે તેવી વ્યવસ્થા ઉભી કરવી જાેઈએ. કોરોનામાં કોવિડ કેર સેન્ટર, માસ્ક, ઓક્સિજન આપી ફોટો પડાવતા નેતાઓ આ મુદ્દે પણ ચિંચા સેવે તે જરૂરી છે. હજુ પણ સમય છે, જાે લોકોને સમયસર ઈન્જેક્શન નહીં મળે તો રેમડેસિવીર જેવી હાલત થશે. કાળાબજારીઓ માથું ઉંચકે અને ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ ઈન્જેક્શન લેવા માટે તઘડી રકમ ચુકવે તે પૂર્વે આ પરિસ્થિતિનું નિવારણ લાવવું જરૂરી છે.