ઈઝરાયેલમાં બોનફાયર ફેસ્ટિવલમાં થઈ નાસભાગ, ઘણા લોકોના મોત, ૧૦૦ ઘાયલ

(જી.એન.એસ)યેરુસાલેમ,ઈઝરાયેલમાં બોનફાયર ફેસ્ટિવલમાં શુક્રવારે(૩૦ એપ્રિલ) અચાનક નાસભાગ થઈ ગઈ. જેમાં ૧૨થી વધુ લોકોના મોત થઈ ગયા છે અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ જણાવાઈ રહ્યા છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુએ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ અને તેને એક હોનારત ગણાવી છે. ન્યૂઝ એજન્સી રાયટરે ડઝનેક લોકોના મોતની માહિતી આપી છે. જો કે ઘણી ન્યૂઝ ચેનલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ૩૦થી ૩૮ લોકોના મોત થઈ ગયા છે. રિપોર્ટસ મુજબ લોકોમાં નાસભાગ માઉન્ટ મેરન સ્ટેડિયમની સીટો તૂટીને પડવાથી થઈ. સોશિયલ મીડિયામાં વિચલિત કરતા ફોટા સામે આવ્યા છે.બીબીસીના જણાવ્યા મુજબ ઈઝરાયેલની રાષ્ટ્રીય ઈમરજન્સી સેવા મેગન ડેવિડ એડોમ(એમડીએ)એ ચોક્કસ સંખ્યા આપ્યા વિના મોતની પુષ્ટિ કરી છે અને કહ્યુ કે ડઝનેક મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ છે. ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યા છે. ઈઝરાયેલના વર્તમાન પત્ર ૐટ્ઠટ્ઠિીંડના રિપોર્ટ મુજબ કમસે કમ ૩૮ લોકો માર્યા ગયા છે.ઈઝરાયેલના મેરૉન શહેરમાં લાગ-બોમર ફેસ્ટિવલ આયોજિત કરવામાં આવ્યો હતો. આમાં ભારે સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. કોરોના વાયરસ મહામારી શરૂ થયા બાદથી દેશમાં આયોજિત આ સૌથી મોટુ આયોજન હતુ. ગયા વર્ષે કોરોના કાળમાં તેને રદ કરી દેવામાં આવ્યુ હતુ. ઈઝરાયેલના પૂર્વોત્તરમાં માઉન્ટ મેરૉન પહાડની નીચે દર વર્ષે પરંપરાવાદી યહૂદી લોકો લાગ-બોમરનો ફેસ્ટિવલ મનાવવા મેરૉન જાય છે. આ એક ધાર્મિક તહેવાર છે. જ્યાં શ્રદ્ધાળુ બોનફાયર(આગ પ્રગટાવીને) પ્રાર્થના કરે છે અને નાચગાન કરે છે. આ દૂર્ઘટના આ દરમિયાન થઈ છે.પોલિસે જણાવ્યુ છે કે ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે હેલીકૉપ્ટર્સ બોલાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યુ કે દૂર્ઘટના એ વખતે થઈ જ્યારે અમુક લોકો સીડીઓ પરથી લપસી ગયા. ત્યારબાદ એક પછી એક લોકો એકબીજા પર પડતા ગયા. ત્યારબાદ લોકો બહાર નીકળવાની કોશિશમાં કચડાઈ ગયા.