ઇલેક્ટોરલ બોન્ડના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો સુપ્રીમનો ઇનકાર

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,સુપ્રીમ કોર્ટે ઇલેક્ટોરલ બોન્ડના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કરી દીધો છે. શુક્રવારે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ નામની એનજીઓની અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મહત્વપૂર્ણ નિર્ણયો આપ્યા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ૧ એપ્રિલથી નવા ઇલેક્ટોરલ બોન્ડના વેચાણ પર પ્રતિબંધની માંગ કરી છે. જેના પર સુપ્રીમ કોર્ટે આવા કોઈ આદેશ આપવાનો ઇનકાર કરી દીધો છે.એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ વતી સુપ્રીમ કોર્ટમાં હાજરી આપતા એડવોકેટ પ્રશાંત ભૂષણએ જણાવ્યું હતું કે, ઇલેક્ટોરલ બોન્ડ ફંડના નામે લાંચ આપીને શાસક પક્ષને તેમનું કામ કરાવવાનું સાધન બની ગયું છે. પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે પહેલી એપ્રિલથી નવા બોન્ડ્‌સ ખરીદી શકાય છે. આ બોન્ડ ચૂંટણીમાં શેલ કંપનીઓ દ્વારા રાજકીય પક્ષો માટે ગેરકાયદેસર ભંડોળ છે. આ કિસ્સામાં, તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.ઇલેક્ટોરલ બોન્ડ્‌સ પર રોક લગાવવાનો ઇનકાર કરતાં ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે વર્તમાન ઇલેક્ટ્રોલ બોન્ડ યોજના વર્ષ ૨૦૧૮ માં અમલમાં આવી હતી, ત્યારબાદ તે ત્રણ વર્ષથી વેચાણમાં છે. આને રોકવાનું કોઈ કારણ નથી.