આવતીકાલથી કચ્છમાં વિનામૂલ્યે રાશનનું કરાશે વિતરણ

જિલ્લાના એનએફએસએ રાશનકાર્ડ ધારકોને ઘઉં, ચોખાનો જથ્થો અપાશે : ૧૧ થી ર૦ મે દરમ્યાન રાશનકાર્ડના છેલ્લા આંક મુજબ દર્શાવેલી તારીખ પ્રમાણે વિતરણ વ્યવસ્થા

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોનાની વૈશ્વિક મહામારીમાં સરકાર પ્રથમ લહેર વખતે મફત રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું, ત્યારે આ વખતે પણ સરકાર દ્વારા આવતીકાલથી નિઃશુલ્ક રાશન વિતરણનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેમાં ૧૧ થી ર૦ મી મે દરમ્યાન રાશનનું વિતરણ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ આવતીકાલથી ૧૧ દિવસ સુધી નેશનલ ફુડ સિક્યોરિટી એકટ અંતર્ગતના રાશનકાર્ડ ધારકોને નિઃશુલ્ક રાશન આપવામાં આવશે. જેમાં જિલ્લાના એનએફએસએ રાશનકાર્ડ ધારકોને લાભ મળશે. કચ્છમાં ૧૧ મે થી ર૦ મે દરમ્યાન રાશનની વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોવિડ ૧૯ ની ગાઈડલાઈન મુજબ સામાજીક અંતર અને અન્ય પ્રોટોકોલનું પાલન થાય અને સુચારૂ રીતે વિતરણ વ્યવસ્થા જળવાય તેવું આયોજન ગોઠવાયું છે, જેમાં ૧૧ થી ર૦મી તારીખ સુધી રાશનકાર્ડના નંબરમાં છેલ્લો આંક જે તે તારીખ પ્રમાણે હોય તેમને તે દિવસે રાશન આપવામાં આવશે. ૧૧ મી તારીખે રાશનકાર્ડમાં છેલ્લો આંક એક હોય તેમને રાશન અપાશે, ૧ર મીએ છેલ્લો આંક ર હોય તેને રાશનનું વિતરણ થશે. આ રીતે ર૦ મી તારીખ સુધી તબક્કાવાર વિતરણ કરાશે. આ દરમ્યાન જે કોઈ પણ રાશનકાર્ડ ધારક મળવાપાત્ર જથ્થો જે તે તારીખે અનિવાર્ય સંજોગોને કારણે ન લઈ શકે તો તેમના માટે ૩૧ મી મેના વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, ત્યારે લોકો પુરવઠા વિભાગના રાશન વિક્રેતાઓને સહયોગ આપી આ યોજનાનો લાભ લે તેવી અપીલ તંત્ર દ્વારા કરાઈ છે.

શિક્ષકોને અનાજ વિતરણની દુકાનમાં હાજર રહેવાની કામગીરી સોંપાતા રોષ

ભુજ : રાજ્યમાં કોરોના કહેર વચ્ચે શિક્ષકોને અનાજ વિતરણની દુકાનમાં હાજર રહેવાની કામગીરી સોપાતા શિક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કચ્છ સહિત રાજ્યભરમાં શાળાઓ બંધ હોવાથી બાળકોને મધ્યાહન ભોજન આપી શકાતુ નથી ત્યારે ભોજનના બદલે રાશન આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે. રાશન વિતરણ વખતે શિક્ષકોને રેશનિંગની દુકાને હાજર રહેવાની કામગીરી આપવામાં આવી છે, જેનો શિક્ષકોએ વિરોધ કર્યો હતો. શિક્ષકો દ્વારા ફરિયાદ કરવામાં આવી કે કોરોનાના સમયની કામગીરીના નાંણા હજૂ સુધી ચુક્વાયા નથી એવામાં આ કામગીરી કેવી રીતે થઈ શકે.