આરટીઈમાં કચ્છની ૩૭૧ પ્રાઈવેટ શાળાઓની વિગતો અપલોડ થતા પ્રવેશ પ્રક્રિયાનો ધમધમાટ

રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પ્રવેશ કાર્યવાહી પૂર્વે સરકારે શાળાઓની વિગતો વેબ પોર્ટલ પર અપલોડ કરવા આપી હતી સુચના : સ્વનિર્ભર શાળાઓમાં યોજના અંતર્ગત બાળકોને નિઃશુલ્ક અપાય છે શિક્ષણ : બે હજારથી રપ૦૦ બાળકોને આ વર્ષે પ્રવેશ મળે તેવો અંદાજ

(બ્યૂરો દ્વારા)ભુજ : રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. સામાન્ય રીતે સરકારી શાળાઓમાં તો વિદ્યાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ અપાય છે, પરંતુ સરકારની આરટીઈ યોજના અંતર્ગત ધો.૧મા પ્રવેશ મેળવતો વિદ્યાર્થી પોતાની ગમતી ખાનગી શાળામાં એક પણ રૂપીયો ફી ચૂકવ્યા વગર નિઃશુલ્ક શિક્ષણ મેળવી શકે છે. આ માટેની પ્રક્રિયાનો દોર આરંભાઈ ગયો છે. જેમાં પ્રથમ કામગીરી રૂપે જિલ્લાની ૩૭૧ શાળાઓની વિગતો વેબ પોર્ટલ પર અપલોડ કરી દેવાઈ છે. જેથી હવે સરકારની સુચના પ્રમાણે વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની કવાયત શરૂ થશે.આ અંગેની વિગતો મુજબ આરટીઈ અંતર્ગત નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ કાર્યવાહી માટે શાળાઓની વિગતો ૧૧ મે સુધી ચકાસણી વેબ પોર્ટલ અપલોડ કરવા સરકારે સૂચના આપી હતી. ઘણી શાળાઓની વિગતોમાં અધુરાશ હતી. કેટલીક શાળાઓમાં ધો.૧ બંધ થયું,
નવી શાળાઓ ઉમેરાઈ, પ્રમાણપત્રના ઈસ્યૂ જેવી ટેકનિકલ અધુરાશોની પૂર્તત્તા બાદ શાળાની વિગતો અપલોડ કરવામાં આવી છે. વેબ પોર્ટલ વિગતો અપલોડ થઈ જતા હવે સરકાર દ્વારા સપ્તાહ કે ૧૦ દિવસમાં વાલીઓને પ્રવેશ પ્રક્રિયા માટે પુરાવા એકત્ર કરી લેવા જાણ કરવામાં આવશે. બાદમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. સંભવતઃ જુન મહિનાના પ્રથમ પખવાડિયામાં આરટીઈ પ્રવેશ ચાલુ થાય તેવી શક્યતા છે. જેના આધારે સરકારે વિગતો અપલોડ કરવા તમામ જિલ્લામાં શિક્ષણ વિભાગને આદેશ કર્યો હતો. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નિલેશ ગોરે વિગતો આપતા જણાવ્યું કે, સરકારની સૂચના અન્વયે આરટીઈ પ્રવેશ માટે માન્યતા ધરાવતી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓ કે જેઓ ધોરણ ૧ ધરાવે છે તેઓની વિગતો વેબ પોર્ટલ પર અપલોડ કરાઈ છે. જિલ્લામાં ૩૭૧ જેટલી પ્રાઈમરી ખાનગી શાળાઓની તમામ વિગતો અપલોડ કરી દેવાઈ છે. લઘુમત્તી શાળાઓને આરટીઈમાંથી મુક્તિ અપાઈ છે. શાળામાં વિદ્યાર્થીઓની કેપીસીટીના રપ ટકા છાત્રોને આરટીઈ અંતર્ગત પ્રવેશ આપવાની જોગવાઈ છે. આ એક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને ધોરણ ૧મા ખાનગી શાળામાં નિઃશુલ્ક શિક્ષણ અપાય છે. ગત વર્ષે કોવિડના કારણે ઓનલાઈન પ્રવેશ તેમજ ઓનલાઈન શિક્ષણની પદ્ધતિ હતી. ર૦૦૦ જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હોવાનું જણાવ્યું હતું.નોંધનીય છે કે, મુખ્યત્વે ભુજ, ગાંધીધામ, અંજાર સહિતના શહેરોમાં વાલીઓ આરટીઈ યોજનાનો લાભ લેતા હોય છે. આ વર્ષે પણ ગત વર્ષની જેમ બે હજારથી રપ૦૦ જેટલા વિદ્યાર્થીઓને આરટીઈ પ્રવેશ અપાય તેવી ધારણા છે.