આપના આર્શીવાદના સદાય રહીંશુ ઋણી ઃ કચ્છીઓના શુભાષીશથી જ અમે પણ કોરોનાને હરાવ્યો

કચ્છઉદયનો આજે ૨૮માં વર્ષમાં મંગલાચરણ ઃ કોરોનાને માત આપીને કચ્છની સેવા માટે વધુ મજબુતાઈ સાથે કચ્છઉદય પરિવાર બન્યું છે સંકલ્પબદ્ધ

ર૭ વર્ષની સફળ સફર સંપન્ન ઃ ૧૯૯૮ના વાવાઝોડાની હોનારત હોય કે પછી ર૦૦૧ના મહાવીનાશક ભુકંપની ગોઝારીઘટના,..આવા કુદરતી પ્રકોપમાં આખેઆખી ઈમારતો ધ્વંસ્ત થઈ ગઈ હોવા છતા કચ્છીજનોની સેવામાં સદાય સેવારત રહેલ કચ્છનું અગ્રગણ્ય દૈનિક કોરોના મહાકાળમાં એક દિવસ પણ નથી રખાયું બંધ ઃ એટલું જ માત્ર નહીં પણ કચ્છઉદય પરીવારના મોભી ગંગારામભાઈ-પુત્ર પ્રકાશભાઈ-પુત્રવધુ-પૌત્ર-ભાઈના ધર્મપત્ની સહિતના પરીવારજનો ખુદ કોરોનામાં સપડયા હોવા ઉપરાંત કચ્છની સેવામાં ર૪ કલાક-રાઉન્ડ ધ કલોક કચ્છઉદય અખબાર અડીખમ યોદ્વા બનીને રહ્યુ સેવારત

કોરોનાની મહામારીમાં દેશ-દેશાવરમાં ગુમાવાયેલા કચ્છીજનો માટે નતમસ્તક હૃદયભીની પ્રાર્થનાઃ કોરોના હજુય ગયો નથી, ત્રીજી અને વધુ ખતરનાક લહેર તોળાય છે, માસ્ક પહેંરીએ, સોશ્યલ ડીસ્ટનશીંગ જાળવીએ, માર્ગદર્શિકાનું અક્ષરસ પાલન કરીએ

કચ્છ-કચ્છીયત અને કચ્છીમાડુંના હૃદયનો ધબકાર બની ગયેલું કચ્છઉદય આજે ર૭ વર્ષની સફળ સફર પૂર્ણ કરીને ર૮માં વર્ષમાં મંગળપ્રવેશ કરે છે. અનેકવિધ કુદરતી અને કૃત્રીમ પડકારોની વચ્ચે પણ કચ્છ-કચ્છીજનોના અઢળક હેતથી જ ર૮માં વર્ષમાં મંગળપ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે દેશ-દેશાવરમાં વસ્તા કચ્છીજનો-કચ્છીમાડંુઓ પ્રત્યે ઋણાનુભાવ વ્યકત ન કરીએ તો કદાચ નગુણીયા કહેવાઈએ. ર૭ વર્ષ પહેલા પા..પા પગલી માંડનાર આ અખબાર કેટલાય કુદરતી અને કૃત્રિમ પડકારોની વચ્ચે પણ આજે અડીખમ યોદ્વાની જેમ કચ્છ અને કચ્છીમાડુઓ તથા કચ્છીયતને જીવંત રાખવાને માટે અણનમ સેવા આપી રહી રહ્યું છે તો તે કચ્છીજનોના વિશ્વાસ, સ્નેહને જ આભારી છે. કચ્છઉદય પરીવાર કચ્છીજનોના આર્શીવાદનું સદાય ઋણી જ રહેશે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તે રીતે વર્તમાન સમયે વિશ્વ અને ભારત તથા કચ્છને ગુજરાતને માટે સૌથી મોટો પડકાર હોય તો લોકોએ ખુદના જીવ મહામારી કોરોનાથી બચાવવાનો બની રહ્યો છે. કોરાનાની કારમી થપાટમાં કચ્છે કેટલાય નામી-અનામી સ્વજનો, હામી-હિતેચ્છુઓ ગુમાવ્યા છે તેવા સૌ દીવ્યઆત્માને વૈંકુઠમાં પરમ સ્થાન પ્રાપ્ત થાય તેવી નતમસ્ત હૃદયભીની પ્રાર્થના કરીએ છીએ. અમે પણ કોરોનાની મહામારીની ઝપટમાં આવવાથી બાકાત નથી રહ્યા. કોરોના યોદ્વા તરીકે સતત-સદાય ખડેપગે કચ્છની સેવાઓમાં ક્ષણવારની પણ ચુક કર્યા વીના જાગૃતી ફેલાવતા કચ્છઉદય અખબારના વડીલ મોભી ગંગારામભાઈ ભાનુશાલી, તેમના લઘુબંધુના પરીવારમાંથી ભાઈના ધર્મપત્ની, ગંગારામના પુત્ર પ્રકાશભાઈ ભાનુશાલી, પૌત્ર, પુત્રવધુ સૌ કોઈ તબક્કાવાર કોરોનાની ગંભીર અને ભીષણ નાગચુડમાં કોરોનાયોદ્વા તરીકે જ લડતા લડતા સપડાઈ જવા પામી ગયા હતા. પરંતુ એ કચ્છીમાડુઓ-કચ્છીજનો-કચ્છીયતના આર્શીવાદને જ આભારી છે કે, અમારો આખોય પરીવાર આજે કોરોનાને હરાવી અને સફળતાપૂર્વક ફરી સ્વસ્થ અને ન માત્ર સાજાે-તંદુરસ્ત થઈ ગયો છે પરંતુ બેવડા જાેરે કચ્છીજનોની સેવા માટે વધુ મજબુત બનીને કાર્યરત પણ થઈ જવા પામી ગયો છે.
કોરોના એક અદ્રશ્ય અને આતંકવાદી કરતા પણ વધુ ખતરનાક મોટો દુશ્મન છે. તેની સાથેની લડાઈ જીતવી એ તો જેને પનારો પડયો હોય તેને જ ખ્યાલ આવી શકે તેમ હોય છે. ત્રીજા ભીષણ વિશ્વ યુદ્ધ સમાન આ મહામારીમાંથી અમે ઉગર્યા છીએ તો તેમાં અમારા પરીવાર-સ્નેહીજનો-મિત્રો, શુભેચ્છકો, સામાજિક-ધાર્મિક-રાજકીય આગેવાનો સહિત કચ્છીમાડુઓની અમને મળેલી તે વખતની હુંફ-હામ-સકારાત્મક પ્રેરણાઓ અમારા નવજીવનમાં પ્રાણ ફુંકનારા જ બની રહ્યા છે.ર૭ વર્ષના ઈતિહાસમાં જવલ્લેજ કોઈ એવું વર્ષ હશે કે જેમાં અમારા પર માવનસર્જીત આફત કે અન્ય પડકાર ન આવ્યા હોય. ર૭ વર્ષની યાત્રામાં અમારી સમક્ષ એક નહીં અનેક પડકારો આવ્યા છે. ચાહે એ કુદરતી હોય કે પછી
કૃત્રિમ, પરંતુ પહાડોની જેમ મજબુત ઈરાદાઓ સાથે અમે આ તમામનો કચ્છીજનોના હેત-પ્રેમ-લાગણીના સહારે સામનો કર્યો છે. વાંચકોના વિશ્વાસના સહારે જ કુદરતી હોય કે માનવસર્જીત તમામ પડકારોમાં પણ કચ્છઉદય અગાઉના કરતા વધુને વધુ મજબુત બનીને ઉભર્યું છે. કોરોનાથી પરીવારના અનેક સભ્યો સંક્રમિત થવા અને તેમાથી હેમખેમ પાર પડી જવો તેનો તાજાે દાખલો જ કહી શકાય તેમ છે. ઉપરાંત ૧૯૯૮ની કંડલા વાવાઝોડા હોનારત હોય કે પછી ર૦૦૧નો મહાવિનાશક ભૂકંપ કે, જેમાં (કચ્છઉદયનું કાર્યાલય પણ ધ્વસ્ત થયંુ હતંુ) આ તમામ કુદરતી પડકારો વખતે પણ કચ્છઉદય લોકોની લાગણી-માગણીને સંતોષીને નિયમિત અખબારની આવૃતિ આપતું જ રહ્યંુ હતું.આજ રોજ કચ્છઉદય જયારે ર૮માં વર્ષમાં મંગળપ્રવેશ કરી રહ્યુ છે ત્યારે ફરીથી નિડરતાથી-હિંમતપૂર્વક એક યોદ્ધા તરીકે કચ્છને માટે સદાય લડતા રહીશું તેવી સંકલ્પબદ્ધતા વધુ એક વખત દર્શાવીએ છીએ.અઢી દાયકાની અમારી સફળ સફરની અટારીએ જાેવાય તો એ ખ્યાલ ચોકકસ આવશે કે, અમે સત્યના માર્ગ પર હિંમતભેર ચાલવાની પહેલ અવિરત કરતા રહ્યા છીએ. કોઈપણ પ્રકારના ચમરબંધીની સામે ઘુંટણીયે પડવાના બદલે સામી છાતીએ, કચ્છહિત માટે એક નિડર યોદ્વાની માફક લડત ચલાવનારૂં અખબાર એટલે કચ્છઉદય… એ અમારી આગવી વિશિષ્ટ ઓળખ રહી છે. કોઈપણ પ્રત્યે જરા સહેજ પણ સાડાબારી રાખ્યા વિના અમે સતત અમારો અખબારી ધર્મ નિભાવવા પ્રયત્નશીલ રહ્યા છીએ અને હજુ પણ રહેશું.સમયાંતરે અમારા પર સીધી કે પરોક્ષ રીતે લગામ કસીને પોતાના મલિન ઈરાદાઓ પુરા કરવા માટે અનેક હિતશત્રુઓ અધીરા બન્યા છે, પણ અખબારી ધર્મને નિભાવી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની પ્રતિબદ્ધતામાં અમે ભલભલા ચમબરબંધીઓની પણ શેહ-શરમ રાખ્યા વિના હિતશત્રુઓને કરારો જવાબ આપતા જ રહ્યા છીએ. હાલના સમય કોરોનાનો કાળ પણ મહામારીનો સમય છે. તેવામાં પણ કોરોનાના મહાયોદ્વા તરીકે અખબારીધર્મની કરાડેરજુજ ટટ્ટાર રાખવા અને કચ્છીમાડુઓન હિતાર્થે તંત્રને, સ્થાનિક રાજકારણને, આમપ્રજાજનોને જયા જયા જરૂર પડી છે ત્યા કચ્છઉદય દ્વારા લાલબત્તીરૂપ અહેવાલો ઉજાગર રાખીને સતત લોકપ્રહરીની ભૂમિકા ખડેપગે નિભાવી છે. અડીખમ કચ્છઉદય આ રીતે નિરંતર કચ્છીજનોની સેવા માટે આજે ર૮માં વર્ષના મંગલાચરણ વખતે વધુ એક વખત કટીબદ્ધતા દર્શાવે છે.જિલ્લામાં ભુજ અને ગાંધીધામમાંથી પ્રસિદ્ધ થતું સાંધ્ય દૈેનિક અને ગાંધીનગરથી સવારે પ્રસિદ્ધ થતું દૈનિક કચ્છઉદય લોક ચાહના અને લોક સહકારથી આજે એક વિશાળ પરિવાર બની ચૂક્યું છે. જિલ્લાના તમામ તાલુકા મથકોએ બ્યૂરો ઓફિસ, ગામડે ગામડે ફેલાયેલા સમર્પિત પ્રતિનિધિઓ, વિતરકો, એજન્ટો, વિજ્ઞાપનદાતાઓ અને વાચકોના સહકારથી આજે અમે ખરા અર્થમાં કચ્છીમાડુઓ માટે કચ્છનો ધબકાર બની રહ્યા છીએ. માત્ર એટલું જ નહીં, વિદેશમાં વસતા કચ્છીઓની માંગને ધ્યાને રાખીને આધુનિક યુગની સાથે તાલ મેળવવા ઈન્ટરનેટ પર પણ કચ્છઉદય દૈનિકની ‘ઈ’ આવૃત્તિ ઉપલબ્ધ કરાવી છે. કચ્છ ઉદયનું ઈ વર્ઝન બૃહદ કચ્છવાસીઓને વતનની માટીની સુવાસ આપી રહ્યું છે. માઉસની માત્ર એક ક્લિકના સથવારે દેશ વિદેશમાં સ્થાયી થયેલા કચ્છીમાડુઓને તેમના વતન સાથેનો નાતો સુદ્રઢ બનાવવામાં કચ્છ ઉદય મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, તો અમારા માનવંતા વાચક મિત્રોની માગને સંતોષવાના ભાગરૂપે અમે ‘કચ્છ-ઉદય ટીવી’ના માધ્યમથી ઈલેક્ટ્રોનીક મીડીયામાં પણ પદાર્પણ કર્યું છે. ટૂંકા ગાળામાં કચ્છ ઉદય ટીવી આગવી રજૂઆત અને લોકહિતના અસરકારક સમાચારો દ્વારા ઘર-ઘરનું માનીતું ન્યૂઝ બુલેટીન બની રહ્યું છે. પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક એ બંને માધ્યમથી સરકારને, વહિવટ તંત્રને અને કચ્છની જનતાને જાગૃત રાખવાના અમારા પ્રયાસને જિલ્લાભરમાંથી કચ્છીજનોએ ઉમળકા સાથે હર્ષભેર બિરદાવી આવકાર્યો છે તેની અમને વિશેષ પ્રસન્નતા છે.ર૭ વર્ષ લાંબી પડકારમય સફરમાં ‘કચ્છઉદય’ને શ્રેષ્ઠતાના શિખરે પહોંચાડવામાં તથા વીતેલાં વર્ષો દરમિયાન અમને અપાર સ્નેહ-સહકાર આપનારા સહુ વિજ્ઞાપનકારો, વાંચકો, એજન્ટો, પ્રતિનિધિઓ, પરીવારજનો, વિતરકો અને અમારી યુવા ટીમની લગન-મહેનત-પોતાપણું આભારી છે. જે સૌનો અમે અત્રેથી અભાર વ્યકત કરીએ છીએ. આજે અમે અનેક પડકારોને લલકારી મજબૂત સ્થિતિ તરફ ડગ માંડી રહ્યા છીએ તેેમાં કચ્છની કુળદેવી માં આશાપુરા, સોદ્રાણાના શહેનશાહ હાજીપીર, વાગડના રખોપા કરતી માતા રવેચી, દેશ-વિદેશમાં પ્રખ્યાત અને ભુજ મધ્યે પ્રસાદી મંદિરમાં બિરાજમાન સ્વામિનારાયણ ભગવાન, વાંઢાય હરીદાસજી આશ્રમ સ્થિત ઓધવરામ ભગવાન, જૈનોના પવિત્ર તીર્થધામ ૭ર જિનાલય-ભદ્રેશ્વર, વાંકીતીર્થમાં બિરાજમાન જૈન તીર્થંકરો-મહારાજ સાહેબો, વિવિધ સંપ્રદાયના સાધુ-સંતો તથા કચ્છીઓની હૂંફ અને આશીર્વાદ જ રહ્યા છે, જેના અમો સદાય ઋણી રહીશું. અને અંતે.. કચ્છઉદય આ તબક્કે પણ સૌ કચ્છીવાસીઓને લાગણીભીની ટકોર કરે છે કે, કોરોનાથી ડરો-ના. કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતના સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના કોરોના સામેના દીશાનિર્દેશોને આપણે સૌ અનુસરીએ અને કોરોનાથી ખુદ પણ બચીએ, પરીવારને બચાવીએ અને આસ-પડોશ-ગ્રામ્ય-શહેરને સુરક્ષિત રાખીએ.