ભુજ : મણિનગર ગુરૂદ્વારા પાસે સગીરા ગુમ થવાના મામલે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. નકલી બાપ છેલ્લા ૧૦ મહિનાથી શારીરિક શોષણ કરતો હોવાનું સામે આવ્યું છે. જેને લઈ મણિનગર પોલીસે આધેડ નકલી બાપની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઉપરાંત આધેડે અન્ય કોઈ બાળકીને શિકાર બનાવી છે કે કેમ અને તે મૂળ કયાનો વતની છે તે અંગે તપાસ શરૂ કરી છે. સગીરાને શોધી લીધા બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું કે પોતાની દિકરી ગણાવનાર આધેડ સગીરાનો બાપ નથી. જેણે સગીરાને અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં ગોંધી રાખી તેની સાથે બળાત્કાર ગુજારતો હતો. ઉપરાંત અલગ અલગ ગુરૂદ્વારામાં લઈ જઈ કુલદીપસિંહ રાઠોડ સહાયના નામે સગીરા પાસે ભીખ મંગાવતો હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ સગીરાને હોટલમાં લઈ જઈ કેફીપીણું પીવડાવી બળાત્કાર ગુજાર્યો હોવાની હકિકત પોલીસ સામે આવી છે. સગીરાએ પોલીસ તપાસમાં જણાવેલી હકિકતના આધારે ગુનામાં વધુ કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. મણિનગર પોલીસે પોકસો, બળાત્કાર, કેફીપીણું પીવડાવી, છેતરપિંડી, ગોંધી રાખવી વગેરે કલમનો ઉમેરો કર્યો છે. ઉપરાંત ખોટી જાહેરાત કરનાર આધેડની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં આધેડે પોતાનું મુળ વતન પટના બિહાર બતાવ્યું હતું. જે માહિતી ખોટું હોવાનું સામે આવ્યું છે. આધેડ સગીરાને કચ્છ, ગુવાહાટી, રાજસ્થાનમાં ગોંધી રાખતો હતો અને ત્યાં જ બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે. એક તરફ શિક્ષણ આપવાના બહાને સગીરાને તેની માતા પાસેથી પડાવી લેવામાં આવી હતી અને બાદમાં તેની સાથે અમાનુષી અત્યાચાર કરનાર આરોપીની અસલ ઓળખ મેળવવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. બીજી તરફ સગીરાના અસલ માતા સુધી પહોંચવા પોલીસ અલગ અલગ રાજ્યોમાંં તપાસ કરી રહી છે. અત્રે નોંધનીય છે કે, આરોપી વિકલાંગ હોતા બિદડા સર્વોદય ટ્રસ્ટ મધ્યે સારવાર માટે આવ્યો હતો. તે દરમ્યાન તે ભુજના બસ સ્ટેશને ત્રણ રાત વિતાવી હતી. બાદમાં તેને ગોધરા ધર્મશાળામાં મોકલવામાં આવ્યો હતો. જયાં આરોપી સાથે રહેલ સગીરાનો રિપોર્ટ કોરાના પોઝીટીવ આવ્યો હતો. તથા આરોપી કવોરેન્ટાઈન કરાયો હતો.