આદિપુર રેલવે સ્ટેશન પર અજાણ્યા યુવાનનું ટ્રેન હડફેટે મોત

ગાંધીધામ રેલવે પોલીસ દ્વારા હતભાગી યુવાનની ઓળખ માટે હાથ ધરાયા પ્રયાસ

ગાંધીધામ : અહીંના આદિપુર રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નં. ૧ ઉપર ગત રાત્રિના એક અજાણ્યા યુવાનનું ટ્રેનની હડફેટે કપાઈ જતા મોત નિપજ્યું હતું. બનાવને પગલે ગાંધીધામ રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી હતભાગીની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ આદિપુર રેલવે સ્ટેશન ઉપર પ્લેટ ફોર્મ નં.૧ ઉપર ગત રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં ટ્રેન અકસ્માત સર્જાયો હતો. જેમાં અંદાજે ૩પ વર્ષિય યુવાન ટ્રેનની હડફેટમાં આવી જતા કપાઈ જવાથી મોતને ભેટ્યો હતો. હતભાગીએ નેવીબ્લુ કલરનું શર્ટ પહેરેલું હતું. બનાવને પગલે ગાંધીધામ રેલવે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ પંચનામા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. તેમજ મૃતકનું ફોટોગ્રાફ્સ વાયરલ કરીને તેની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. કોઈને પણ હતભાગીની ઓળખ મળે તો ગાંધીધામ રેલવે પોલીસ મથકના (૦ર૮૩૬)-રર૦૦૯પ તેમજ મો.૯૭ર૩૩ પ૦૮૩૬ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.