આડેસર ચેકપોસ્ટ પાસેથી અડધા કરોડનો શરાબ ઝડપાયો

બંધ બોડીના ટેેમ્પોમાં ભરાયેલી દારૂ – બીયરની કુલ્લ ૧૬પ૩૬ બોટલ – ટીન કરાયા કબજે : આડેસર પોલીસે વિક્રમી દારૂના જથ્થા સાથે જમ્મુના એક શખ્સની કરી ધરપકડ : રાજસ્થાન – હરિયાણાથી દારૂ મોકલાવનાર અન્ય બે શખ્સો સામે નોંધાયો ગુનો

(ક્રાઈમ પ્રતિનિધિ)રાપર : સરહદી કચ્છમાં રાજસ્થાન તેમજ હરિયાણાથી મોટા પ્રમાણમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઠાલવાતો હોવાની સાક્ષીરૂપ વધુ એક દારૂની વિક્રમી ખેપને પોલીસે નાકામ બનાવી છે. આડેસર ચેકપોસ્ટ ખાતેથી પોલીસે પૂર્વ બાતમીને આધારે અડધા કરોડ જેટલો દારૂ – બિયરનો જથ્થો કબજે કરી જમ્મુના એક શખ્સની ધરપકડ
કરી છે. આડેસર પોલીસની કાર્યવાહીમાં બંધ કેબીનના ટેમ્પો સહિત કુલ્લ ૬૭.૯૭ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.સરહદી કચ્છમાં રાજસ્થાન તેમજ હરિયાણાથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઠાલવાય છે. અવારનવાર પોલીસ દ્વારા કચ્છમાં ઘૂસાડાતા દારૂને ઝડપી પાડવામંં આવે છે, પરંતુ કરોડનો દારૂ પોલીસને ચકમો આપીને કચ્છમાં સપ્લાય પણ થઈ જતો હશે. ત્યારે કચ્છમાં આવતા વિક્રમી શરાબને પોલીસે ઝડપી પાડી બુટલેગરોના મનસુબાઓ પર પાણી ફેરવ્યું છે. મળતી વિગતો મુજબ આડેસર પોલીસની ટીમ રેન્જ આઈજીપી જે. આર. મોથલીયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સુચનાથી દારૂ, જુગારની બદીઓને નેસ્ત નાબુદ કરવા માટે પેટ્રોલીંગમાં હતી, આડેસર પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય. કે. ગોહિલ તેમજ પોલીસ સ્ટાફ આડેસર ચેકપોસ્ટ પર વાહન ચેકીંગની કામગીરીમાં જોતરાયેલો હતો, તે દરમ્યાન પીએસઆઈ વાય. કે. ગોહિલને મળેલી બાતમીને આધારે એનએલ ૦૧ કે ૭૬૭ર નંબરના બંધ કેબીનના ટાટા ટેમ્પોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ – બીયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કરેલી કાર્યવાહીમાં રૂપિયા ૪૭,૮૧,પર૦/-ની ૧૬પ૩૬ નંગ દારૂની બોટલ તેમજ બીયરના ટીન ઝડપી પાડવામાં આવ્યા હતા. દરોડા દરમ્યાન પોલીસે ર૦ લાખનો ટાટા ટેમ્પો, પપ૦૦ ના બે મોબાઈલ ફોન, ૯૦૦૦ની રોકડ રકમ સહિત પોલીસે કુલ્લ ૬૭,૯૭,૦ર૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની કાર્યવાહીમાં જમ્મુના કેરી ગામે રહેતા જોગીન્દરસિંગ પુરીસિંગ રાજપુત (ઉ.વ.૩ર)ની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે હરિયાણા અને રાજસ્થાનથી દારૂ ભરાવી આપનાર હરિયાણાના રેવાડી જિલ્લાના દારૂ હેરાના મદનભાઈ તેમજ રાજસ્થાન ઉદયપુરના બાબા નામના આરોપી વિરૂદ્ધ આડેસર પોલીસે ગુનો નોંધ્યો હતો. આડેસર પોલીસ દ્વારા કરાયેલી કામગીરીમાં પીએસઆઈ વાય. કે. ગોહિલ, હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ દલસંગજી ડાભી, હકુમતસિંહ જાડેજા, ભરતજી ઠાકોર, ગાંડાભાઈ ચૌધરી, અનાભાઈ પટેલ, મહેન્દ્રસિંહ છાયદરા, રાકેશભાઈ ચૌધરી, ભાણજીભાઈ પ્રજાપતિ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

ઓડેસર પોલીસની ટીમ ગોહિલની સજાગતા-સતર્કતા સરાહનીય…!

કચ્છમાં પ્રવેશતાની સાથે જ દારૂના તગડા જથ્થાઓને અટકાવી દેવાની દાખવે છે જાગૃતી : પાછલા અમુક સમયમાં પકડાયેલા મસમોટા દારૂના જથ્થા કટીંગ થાય કે વેપલો કરાય તે પહેલા જ ઝડપાઈ જવાની કામગીરી પ્રસંસાનેપાત્ર

ગાંધીધામ : કચ્છમાં દારૂની બદી વકરેલી હોય તેમ અવાર નવાર મસમોટા દારૂના કન્સાઈન્મેનટ ઘુસાડતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. દરમ્યાન જ હવે પાછલા અમુક સમયથી કચ્છના પ્રવેશદ્વાર એવા આડેસર પટ્ટામાં જ આવા દારૂના મસમેટા જથ્થા પકડીસ લેવામા આવે છે તે બદલ વર્તમાન ટીમ આડેસર પોલીસ શ્રી ગોહીલની જાગૃતતા અને સજાગતાને સરાહનીય જ ગણવી રહી. અડધા કરોડથી વધુના મુદામાલ કચ્છમાં ઘુસી જાય અને વેપલો શરૂ થઈ જાય તે પહેલા જ પ્રવેશતાની સાથે જ તેને પકડી પાડી અને બુટલેઘરોના મનસુબા પર પાણી ફેરવી દેવાયા હોવાની સ્થિતી સર્જાઈ રહી છે. આ પ્રકારની જાગૃતીભરી કામગીરી અભિનંદનને પાત્ર છે.

વાગડના કુખ્યાત બુટલેગરો રામો-પુનો ઝડપાઈ ગયા ! તો હવે કોનો દારૂ આવ્યો ?

રાપર : વાગડના કુખ્યાત બુટલેગરો રામો અને પુનો ઝડપાયા છતાં કચ્છમાં જાણે દારૂનો દરિયો ઠલવાતો હોય તેમ અડધા કરોડ જેટલા વિક્રમી દારૂની રેલમછેલ કરવામાં આવતી હતી. જો કે, આડેસર પોલીસે સરાહનીય કામગીરી કરીને બાતમીને આધારે કચ્છમાં ઘૂસાડવામાં આવતો વિક્રમી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. આ પૂર્વે પણ આડેસર પોલીસે દારૂની અનેક મોટી ખેપો ઝડપી પાડી બુટલેગરોના મનસુબાઓ પર પાણી ફેરવ્યું હતું, જેમાં મોટા ભાગે વાગડના કુખ્યાત બુટલેગરો રામા અને પુનાનો દારૂ ઝડપાયો હતો. જો કે લાંબા સમયથી આ બન્ને કુખ્યાત બુટલેગરો પોલીસના હાથમાં લાગ્યા ન હતા, પરંતુ હાલ જ થોડા સમય પૂર્વે પૂર્વ કચ્છ એલસીબીએ આ બન્ને બુટલેગરોને દબોચી લીધા હતા, તેમ છતાં કચ્છમાં દારૂની રેલમછેલ કરવામાં આવી રહી છે, ત્યારે પોલીસ ઝડપાયેલા આ દારૂના મુળ સુધી પહોંચી અન્ય સક્રિય બુટલેગરોને ઝડપી પાડે તેવી લોક માંગ ઉઠી છે.