આડેસર ચેકપોસ્ટ નજીકથી સંભવત કતલખાને લઈ જવાતી ૩ ભેંસો બચાવાઈ

આડેસર પોલીસે દોઢ લાખની બોલેરો સહિત ૧ શખ્સની કરી ધરપકડ

રાપર : તાલુકાના આડેસરમાંથી પોલીસે સંભવતઃ કતલખાને લઈ જવાતી ૩ ભેંસને બચાવી હતી. આડેસર ચેકપોસ્ટ નજીક બોલેરો પીકઅપ ગાડીમાં ભેંસો ભરીને લઈ જવાતી હોવાની બાતમીના આધારે આડેસર પોલીસે કરેલી કાર્યવાહીમાં એક શખ્સ ઝડપાયો હતો. જયારે અન્ય ત્રણ આરોપીઓ હાજર ન મળતાં તેની સામે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આડેસર પોલીસની ટીમ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે જી.જે. ર ઝેડ પ૪૯૪ નંબરની બોલેરો જીપને ઝડપી પાડવામાં આવી હતી. આ જીપમાં ત્રણ ભેંસોને કતલ કરવાના ઈરાદે લઈ જવાતી હતી. જેને પોલીસે બચાવી હતી. પોલીસની કાર્યવાહીમાં બનાસકાંઠાના દિયોદર તાલુકાના શેસણમાં રહેતા આરોપી રમઝાનખાન અકબરખાન બલોચની ધરપકડ કરાઈ હતી. જયારે સાંતલપુરના વૌવાનો શખ્સ રામાભાઈ પચાણભાઈ રબારી નાસી ગયો હતો. ભચાઉના કટારિયામાં રહેતા સેંધાભાઈ ભરવાડે ભેંસો ભરી આપી હતી. જયારે પાટણના નેદરાના ઈબ્રાહીમભાઈ ભેંસો મંગાવી હતી. ત્યારે આ ચારેય શખ્સો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધ્યો હતો. આ કામગીરીમાં પીએસઆઈ વાય.કે. ગોહિલ, જી.એ. ગોરી, હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ રાજપૂત, વિજયસિંહ ઝાલા સહિતનો સ્ટાફ જાેડાયો હતો.