આજથી ૪પ વર્ષથી ઉપરના તમામને રસીકરણની ઝુંબેશ

ભુજની શાળા નં.૧૦મા પત્રકારો માટે રસીકરણનું આયોજન : કવિઓ જૈન મહાજન ખાતે રસીકરણ અભિયાન : ભુજની
શિવ આરાધના સોસાયટીમાં પણ યોજાયો રસીકરણ કેમ્પ

ભુજ : કોરોના મહામારીને નાથવા માટે સરકાર સજ્જ બની છે. ઠેર-ઠેર રસીકરણ ઝુંબેશ હાથ ધરીને સરકાર દ્વારા કોરોના સામેની લડાઈ તેમજ બનાવાઈ છે. જેના ભાગરૂપે આજે પહેલી એપ્રિલથી ૪પ વર્ષથી ઉપરના તમામને કોરોના વેક્સીન અપાઈ રહી છે ત્યારે ઠેર-ઠેર આરોગ્ય તંત્ર દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજીને લોકોને રસી આપવામાં આવી રહી છે. ભુજમાં શાળા નં.૧૦મા પત્રકારોને રસી અપાઈ હતી તો કવિઓ જૈન મહાજન ખાતે તેમજ ભુજના એરપોર્ટ રોડ પર શિવ આરાધના સોસાયટીમાં રસીકરણ કરાયું હતું. ભુજમાં કલેક્ટર કચેરીની પાછળ આવેલી શાળા નં.૧૦ ખાતે જિલ્લાના પત્રકારો માટે ખાસ રસીકરણની વ્યવસ્થા અર્બન હેલ્થ સેન્ટર દ્વારા યોજાઈ હતી. આજે પહેલી એપ્રિલથી ૪પ વર્ષથી ઉપરના તમામ માટે રસીકરણની નિઃશુલ્ક વ્યવસ્થા ગોઠવાઈ છે, પરંતુ પત્રકારો કોરોના વોરિયર તરીકે આવતા હોવાથી તમામે ભુજમાં શાળા નં.૧૦મા રસી અપાઈ હતી તો તાલુકા મથકના પત્રકારો માટે જે-તે હેલ્થ સેન્ટર ખાતે આજથી રસી આપવામાં આવશે. કવીઓ જૈન મહાજન : સરકારશ્રીની રસીકરણ ઝુંબેશના ભાગરૂપે કવીઓ જૈન મહાજન અમરસન્સ ભવન ખાતે પણ રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. કવીઓના અધ્યક્ષ તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, આજથી ૪પ વર્ષથી ઉપરના તમામનું રસીકરણ શરૂ થયું છે ત્યારે અર્બન હેલ્થ સેન્ટર વિભાગ દ્વારા કવીઓ ખાતે રસીકરણ અભિયાન શરૂ કરાયું છે અને અહીં ૪પ વર્ષથી ઉપરના તમામ લોકોને રસી આપવામાં આવશે. રસી લેનાર લાભાર્થી પોતાની સાથે ઓળખકાર્ડ અચૂક લાવે અને રસી મૂકાવે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, રસી કરણને કારણે કોઈને કોઈપણ જાતની આડ અસર નથી. તેથી કોઈપણ ડર કે ભય વિના સૌ રસી મૂકાવે. શિવ આરાધના સોસાયટી : ભુજના એરપોર્ટ રોડ પર આવેલ શિવ આરાધના સોસાયટી ખાતે છઠ્ઠીબારી ખાતે આવેલ અર્બન હેલ્થ સેન્ટરના સહયોગથી રસીકરણ કેમ્પ યોજાયો હતો. જેમાં શિવ આરધના સોસાયટીની કમિટી દ્વારા આરોગ્ય તંત્રના સ્ટાફને રસીકરણ માટેની વ્યવસ્થા અહીંના વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે કરી અપાઈ હતી. જેમાં ૪પ વર્ષથી ઉપરના સ્થાનિકોએ કોરોનાની વેક્સીન લીધી હતી. રસીકરણની આ ઝુંબેશમાં શિવ આરાધના સોસાયટીના કમિટી મેમ્બરોએ સહયોગ આપ્યો હતો