આગોતરા આયોજનના ભાગરૂપે રાજ્યમંત્રીની કોવિડ કેર સેન્ટરની નિરીક્ષણ મુલાકાત

વિશ્વની કોઈ પણ આપદામાં જન સહયોગ નક્કર પરિણામ આપે છે. વૈશ્વિક મહામારી કોવિડ-19 માં પણ કોરોના હારશે ગુજરાત જીતશે એ જન સહયોગથી સાર્થક થશે એમ રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે કેરા ખાતે આગોતરા આયોજનથી દાતાના સહયોગથી સંભવિત કોવિડ કેર સેન્ટરની નિરીક્ષણ મુલાકાતમાં ચેરમેનને જણાવ્યું હતું. કેરા ખાતે એચ.જે.ડી.ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન અને કેરાના વતની શ્રી જગદીશભાઈ દેવજીભાઈ હાલાઈએ કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જરૂર પડે પોતાના ઈન્સ્ટીટયૂટમાં ૩૦૦ બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનો પ્રસ્તાવ વહીવટીતંત્ર સમક્ષ રજૂ કર્યો છે. જેના અનુસંધાને આજરોજ રાજ્યમંત્રીએ ઇન્સ્ટિટયૂટના નીલકંઠ ભવનનું જાત નિરીક્ષણ કર્યું હતું. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કરી ચેરમેન શ્રી જગદીશભાઈ હાલાઈ  પાસેથી વિગતો જાણી તેમના આ જન સહયોગના પ્રસ્તાવને બિરદાવ્યો હતો. આ તકે રાજ્યમંત્રીશ્રી સાથે  ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા,તાલુકા વિકાસ અધિકારી શૈલેષભાઈ રાઠોડ,તાલુકા આરોગ્ય અધિકારી ડો.મનોજ પરમાર,અનુસુચિત જાતિ કલ્યાણના મદદનીશ જિલ્લા મેનેજર ભુપેન્દ્ર મકવાણા, સરપંચશ્રી દિનેશભાઈ હાલાઈ, બ્લોક ફારમાસિસ્ટ કિર્તનચૌહાણ તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.