આગામી ૩૧/૭ સુધી માછીમારોને સમુદ્રમાં ન જવા ફરમાન

કચ્‍છ જિલ્‍લાના જુદા જુદા બંદરેથી માછીમારી માટે માછીમારો સમુદ્રમાં જાય છે. સમુદ્રમાં ગયા પછી વાવાઝોડા, વરસાદ વિગેરેની આગાહીઓ સબંધે આવા સમુદ્રમાં રહેલ માછીમારોને ચેતવણી પહોંચાડવી શકય હોતી નથી. તેમજ માહે મે માસથી દરિયો તોફાની થઇ જાય છે. મત્સ્યોધોગ કમિશનરશ્રી, ગાંધીનગર તરફથી રાજયમાં દરિયાઇ કાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં તા.૧/૬/૨૦૨૧ થી તા.૩૧/૭/૨૦૨૧ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી આંતરરાષ્ટ્રીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં માછીમારી પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. તેમ છતાં અનધિકૃત રીતે કોઇ માછીમાર માછીમારી માટે સમુદ્રમાં ચાલ્યા જાય અને વાવાઝોડા, વરસાદ જેવા પરિબળોથી સમદ્ર તોફાની બને તેવા સંજોગોમાં માછીમારોના જાનનું જોખમ ઉભું થાય તેવો પુરતો સંભવ છે. જેથી આવા માછીમારોને સમુદ્રમાં ગેરકાયદેસર રીતે જતા અટકાવવા અનિવાર્ય છે. ભારતીય ફોજદારી કાર્યરિતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ શ્રી પ્રવિણા ડી.કે. (આઇ.એ.એસ.) જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, કચ્‍છ-ભુજ ફરમાવેલ છે કે કચ્‍છ જિલ્‍લાના સમગ્ર વિસ્‍તારના દરિયાકાંઠેથી કે ક્રીક એરિયામાં કોઇપણ માછીમારોએ કે અન્‍ય કોઇ વ્‍યકિતએ આગામી તા.૧/૬/૨૦૨૧ થી તા.૩૧/૭/૨૦૨૧ સુધી માછીમારી માટે કે અન્‍ય કોઇ હેતુસર સમુદ્રમાં કે ક્રિક એરિયામાં જવું નહીં અને કોઇપણ બોટની અવરજવર કરવી નહીં આ હુકમ અન્‍વયે પોર્ટ ઉપર આવતા વ્‍યાપારિક જહાજોને, લશ્‍કરી દળો, અર્ધ લશ્‍કરી દળો, પોલીસ દળોની બોટો, પગડીયા માછીમારોને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનું ઉલ્‍લંઘન કરનારને ભારતીય ફોજદારી અધિનિયમ (સને ૧૮૬૦ના ક્રમાંક ૪૫) ની કલમ ૧૮૮ મુજબ સજા થઇ શકે છે. આ જાહેરનામું તા.૧/૬/૨૦૨૧ થી તા.૩૧/૭/૨૦૨૧ સુધી અમલમાં રહેશે.