આખા પરિવારને ઝેર પીવડાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું- ૨.૧૨ કરોડ દિનેશ-ભાવિન લઇ ગયા

(જી.એન.એસ)રાજકોટ,રાજકોટના નાનામવા રોડ પર આવેલ શાસ્ત્રીનગર અજમેરાની સામે શીવમ પાર્કમાં રહેતા અને કર્મકાંડનો વ્યવસાય કરતાં બ્રાહ્મણ પરિવારે મધરાત્રે એકાદ વાગ્યે ઝેરી દવા પી સામુહિક આપઘાતનો પ્રયાસ કરતાં આધેડ અને પુત્ર-પુત્રીને તુરંત જ ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પિતાએ કોરોનાની દવા છે તેમ કહી પુત્ર-પુત્રી અને પોતે પણ પી લીધી હતી. પિતાએ લખેલી સુસાઇડ નોટમાં લખ્યું છે કે, ૨.૧૨ કરોડ દિનેશ અને ભાવિન લઇને જતા રહ્યાં છે.પોલીસ દ્વારા બનાવનું કારણ પૂછતાં આધેડનાં પત્ની અને તેના ભાઇએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, એડવોકેટ આર.ડી.વોરાના એક સંબંધીને અમારૂ મકાન વેચ્યું હતું. જે રૂપિયા ૧.૨૦ કરોડનો સોદો થયા બાદ રૂપિયા ૨૦ લાખ અમોને આપી દીધા હતા અને બાદમાં ૧ કરોડની માંગણી કરતાં આર.ડી.વોરાએ પોલીસમાં અમારા વિરૂદ્ધ અરજી કરી હેરાનગતિ કરતા હતા. તેમાં ત્રાસથી કંટાળી આજે મધરાત્રે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે રાજકોટ તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે ત્રણેયનું નિવેદન લેવા કાર્યવાહી કરી હતી. જોકે હાલ ત્રણેય બેભાન હોય તેમના પરિવારજનોના નિવેદન લેવા કાર્યવાહી કરી અને તેની પાસેથી મળી આવેલી સુસાઇડ નોટનાં આધારે તપાસ શરૂ કરી છે.