અમેરિકાથી ભારતને મળી મોટી મદદ, જર્મનીએ પણ મોકલ્યા ૪ ઑક્સિજન કન્ટેનર

(જી.એન.એસ)ન્યુ દિલ્હી,દેશ કોરોના વાયરસનો જબરદસ્ત મારો સહન કરી રહ્યો છે. કોરોનોના વધતા કેસ અને ઑક્સિજન તેમજ અન્ય સ્વાસ્થ્ય સામગ્રીની તંગીની વચ્ચે સંકટ વધારે મોટું થઈ રહ્યું છે. ભારતમાં કોરોનાના નવા કેસો ૪ લાખનો આંકડો પાર કરી ગયા છે. આવામાં વિદેશી દેશોથી ભારતમાં મદદ મોકલવામાં આવી રહી છે. આ ક્રમમાં અમેરિકા તરફથી મોકલવામાં આવેલી રેમડેસિવિરની ૧૨૫૦૦૦ શીશીઓ સોમવારના દિલ્હી એરપોર્ટ પહોંચી.
આ સપ્લાયમાં રેમડેસિવિરની તંગીને પહોંચી વળવા માટે થોડીક મદદ જરૂર મળશે. બીજી તરફ કોરોના વાયરસ સંકટની વચ્ચે ઑક્સિજન પૂરુ પાડવા માટે ભારતીય વાયુસેના સંપૂર્ણ તાકાત લગાવી રહી છે. તો ભારતીય વાયુસેનાના સી-૧૭ એરક્રાફ્ટે ૪ ક્રાયોજેનિક ઑક્સિજન ટેન્કર જર્મનીથી એરલિફ્ટ કર હિંડન એરબેઝ પર પહોંચાડ્યા. આ ઉપરાંત ૪૫૦ ઑક્સિજન સીલેન્ડર પણ બ્રિટનથી એરલિફ્ટ કરીને ચેન્નાઈ એરબેઝ પર પહોંચાડવામાં આવ્યા. ભારતીય વાયુસેનાએ આ વાતની જાણકારી આપી.ઉલ્લેખનીય છે કે કોરોના સંકટની વચ્ચે ભારતીય નૌસેનાના જહાજો વિદેશોથી ઑક્સિજન ટેન્કર લાવવા માટે સ્ટેન્ડ બાય મોડ પર રાખવામાં આવ્યા છે. ગલ્ફ અને સાઉથ ઈસ્ટ એશિયન દેશોની નજીક ભારે ક્ષમતાવાળા જહાજોને આવા અભિયાન માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. નેવી સૂત્રોએ આ વિશે જાણકારી આપી છે. બીજી તરફ ભારત સરકાર તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ૪ મેના બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે વર્ચુઅલ સમિટ થવાની છે.સમિટથી પહેલા બ્રિટને ભારતને વધુ ૧૦૦૦ વેન્ટિલેટર મોકલવાનો નિર્ણય કર્યો છે. આનાથી હૉસ્પિટલોમાં ભરતી કોરોના દર્દીઓની તબિયત સુધારવામાં સરળતા રહેશે. આ પહેલા ગત અઠવાડિયે યૂકેએ ૨૦૦ વેન્ટિલેટર, ૪૯૫ ઑક્સિજન કંસનટ્રેટર્સ અને ત્રણ ઑક્સિજન જનરેશન યૂનિટ આપવાની પણ જાહેરાત કર્યું હતુ.