અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પર ટોલ ટેક્સમાં વધારો, વાહન ચાલકો નારાજ

(જી.એન.એસ.)વડોદરા/અમદાવાદ,કોરોના મહામારી વચ્ચે સરકાર તરફથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાના કારણે વિવિધ ચીજવસ્તુઓની કિંમતમાં વધતા મોંઘવારીએ માજા મૂકી છે, ત્યાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટોલેટેક્સમાં વધારો ઝીંકાતા વાહન ચાલકોને વધારાનો આર્થિક બોજો સહન કરવો પડશે.આ અંગે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સનો કોન્ટ્રાક્ટ ધરાવતી આઇઆરબી કંપનીએ કરેલી જાહેરાત મુજબ, ૧ એપ્રિલથી કાર, જીપ ઉપરાંત વાન સહિતના તમામ વાહનો પર ટોલ ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે. નવા ટોલ ટેક્સ મુજબ, કાર, જીપ અને વાન સહિતના વાહનોએ સિંગલ ટ્રિપ માટે ૧૧૦ રૂપિયાની જગ્યાએ ૧૧૫ રૂપિયા ચૂકવવા પડશે. આ સિવાય બસ અને ટ્રક માટે સિંગલ ટ્રિપના ૩૮૦ રૂપિયાના બદલે ૩૯૦ રૂપિયાનો ટોલ વસૂલવામાં આવશે. જ્યારે ૪ થી ૬ એક્સેલ ટ્રક માટે ૫૯૫ના બદલે ૬૧૦ રૂપિયા સિંગલ ટ્રિપ માટે ટોલ ટેક્સ ભરવો પડશે.જણાવી દઈએ કે, એક્સપ્રેસ વે ઉપરથી ગણતરીના કલાકોમાં અમદાવાદથી વડોદરા પહોંચી જતું હોવાથી મોટી સંખ્યામાં લોકો પોતાના અંગત વાહનોમાં એક્સપ્રેસ વે પરથી પસાર થાય છે. જો કે ટોલટેક્સમાં ભાવવધારો કરવામાં આવતા આવા વાહન ચાલકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આટલું જ નહીં ટોલ ટેક્સમાં વધારો ઝીંકાતા મોટા વાહનો અને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પડ્યા પર પાટુ જેવો ઘાટ સર્જાયો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ટોલ ટેક્સમાં પણ વધારો કરવામાં આવતા વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટરો પરેશાન થયા છે.