અમદાવાદમાં બોગસ સરકારી વેબસાઈટ બનાવી ૭૧ વિદ્યાર્થીઓ સાથે કરી છેતરપીંડી, ૨ ની ધરપકડ

(જી.એન.એસ)અમદાવાદ,રાજ્યમાં સાયબર ક્રાઇમના ગુનામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આરોપીએ વિદ્યાર્થીઓને પણ ના છોડ્યા. જેમાં રાજ્ય સરકારની ટેબ્લેટ આપવાની યોજનામાં ધો.૧૨ પાસ કરેલા વિદ્યાર્થીઓને ૫૦૦ રૂપિયામાં ટેબ્લેટ આપવાની જાહેરાતની આડમાં બોગસ વેબસાઇટ બનાવીને ૭૧ વિદ્યાર્થીઓ પાસેથી સાઇબર ગઠીયાએ છેતરપિંડી કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સાઇબર ક્રાઇમમાં સામે આવ્યો છે. ગઠીયો વર્ષ ૨૦૧૮થી બોગસ વેબસાઇટ ચલાવતો હતો અને સરકારની લેપટોપ સહાય યોજનાની જાહેરાતની ખોટી પીડીએફ ફાઇલ બનાવીને સો.મીડિયામાં વાયરલ કરી હતી. સરકારી વેબસાઇટની જેમ આબેહૂબ લાગતી આ વેબસાઇટનું ટેક્નિકલ ટીમ દ્રારા એનાલિસીસ કરવામાં આવતા તે ફૅક હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.ન્યૂ રાણીપમાં રહેતા અને નોલેજ કોન્સોટીયમ ઑફ ગુજરાત શિક્ષણ વિભાગમાં કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવતા અપેક્ષાબેન શાહે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક વ્યકિત વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી છે. અપેક્ષાબેન નમો ઇ-ટેબ યોજના અંતર્ગત ટેબ્લેટ વહેંચણીની કરવાનું કામ કરે છે. અપેક્ષાબેનને જાણવા મળ્યું હતું કે સંજય સુમરા નામના વ્યકિતએ સરકારની લેપટોપ સહાય યોજનાની જાહેરાતની ખોટી પીડીએફ ફાઇલ તેમજ ફૅક વેબસાઇટ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે.ત્યારબાદ તેઓએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.આ ઉપરાંત સંજય સુમરાએ ફૅક વેબસાઇટમાં લેપટોપ સ્કીમ નામે ઓનલાઇન અરજી વિદ્યાર્થીઓ પાસે કરાવીને તેમને લેપટોપ સહાયના નામે ૫૦૦ રૂપિયા લેતો હતો. અપેક્ષાબેને આ મામલે વેબાઇસટના હોમ મેનુમાં ક્લિક કરતા જોયું તો રાજ્ય સરકારની વેબસાઇટ રિ-ડાયરેક્ટ થતી જોવા મળી હતી. અપેક્ષાબેનને શંકા જતા તેમણે ટેક્નિકલ ટીમ મારફતે વેબસાઇટનું એનાલિલીસ કરાવ્યું હતું. જ્યારે માલુમ પડ્યું હતું કે વિદ્યાથીઓ પાસેથી ૩૫ હજાર રૂપિયા ખંખેરી લીધા છે, જેમાં નમો ઇ-ટેબ યોજના અંતર્ગત ઘો.૧૨ની પરીક્ષા પાસ કરીને કૉલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ ફાળવવામાં આવે છે. હાલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ તરફથી લેપટોપ સહાય યોજના નામની કોઇ યોજના બહાર પાડી નથી કે કોઇને ઓથોરાઇઝ્‌ડ કરી નથી.