અમદાવાદમાં કોવિડના દર્દીને ઘરે સારવાર બહાને બોગસ ડોક્ટરે ૧.૫૦ લાખ પડાવ્યા

(જી.એન.એસ.)અમદાવાદ,હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના પોઝિટિવ આવનાર લોકોને જ્યારે કોઈ પણ સાજા થવા માટે જે પણ સલાહ આપે તે લોકો માની રહ્યા છે. પરંતુ કેટલાક એવા કિસ્સા સામે આવી રહ્યા છે જ્યાં કોઈની સલાહ કે સારવાર બાદ તે લોકોને પસ્તાવાનો વારો આવી રહ્યો છે. આવી જ એક ઘટના અમરાઈવાડી વિસ્તારમાં બની હતી. જ્યાં એક મહિલાએ તેના પતિની સારવાર માટે ઘરે ડૉક્ટર અને નર્સ ને બોલાવ્યા હતા. ૧૫ દિવસ સુધી આ સારવાર ચાલી હતી પરંતુ મહિલાના પતિની તબિયતમાં સુધારો ન થતાં આખરે આ ડૉક્ટર બોગસ હોવાની શંકા ગઈ હતી અને આ શંકા સાચી પણ પડી હતી. જેથી મહિલાએ રોજના ૧૦,૦૦૦ એટલે કે ૧૫ દિવસના દોઢ લાખ રૂપિયા ખર્ચા હોવા છતાં પણ ડોક્ટર યોગ્ય સારવાર ન આપી શકતા આખરે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ગુનો નોંધાવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.શહેરના ખોખરા વિસ્તારમાં રહેતા મેઘાબેન સિરસાટ ના પતિ વિશાલભાઈ શાહીબાગમાં પ્રિન્ટિંગ પ્રેસમાં નોકરી કરે છે. તાજેતરમાં તેઓના પતિ ને શરદી ખાંસી અને તાવની બીમારી થઈ હતી અને સારું થતું ન હોવાથી તેઓને કોરોનાની અસર હશે તેમ લાગતા તેમનો સીટી સ્કેન રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં મેઘા બહેનના પતિ કોરોના પોઝિટિવ આવ્યા હતા.રોજના દસ હજાર લેખે ૧ લાખ ૫૦ હજાર રૂપિયા મેઘા બહેને ખર્ચ કર્યો હોવા છતાં તેમના પતિને સારવાર આપ્યા બાદ પણ તબિયતમાં સુધારો ન થતા તેઓએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ શરૂ કરી છે.