આજથી કાંકરિયા લેકફ્રન્ટ સહિત અમદાવાદના તમામ પાર્ક-ગાર્ડન આગામી આદેશ સુધી બંધ કરવા નિર્ણય

(જી.એન.એસ.)અમદાવાદ,ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરમાં કેસોનો રાફડો ફાટ્યો છે. કેસનો આંકડો વધી રહ્યો છે, ત્યાં હોસ્પિટલમાં બેડ પણ હાઉસફુલ થઈ રહ્યાં છે. આવામાં અમદાવાદ શહેરમાં કોવિડ-૧૯ મહામારીને પહોંચી વળવા શહેરના તમામ બાગ-બગીચાઓ બંધ કરવાનો આદેશ અપાયો છે. કાંકરીયા લેકફ્રન્ટ, પ્રાણી સંગ્રહાલય વગેરે આવતીકાલ તારીખ ૧૮ માર્ચથી આગામી આદેશ સુધી સંપૂર્ણ બંધ રાખવા નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં વધી રહેલા કોરોના કેસ મામલે વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલ ૧૮ માર્ચથી શહેરના તમામ પાર્ક અને ગાર્ડનના દરવાજા ફરીથી સ્થાનિકો માટે બંધ કરવામાં આવનાર છે. તો સાથે જ કાંકરિયા લેક ફ્રન્ટ અને ઝુ પણ બંધ રહેશે. અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રાખવાના એએમસી દ્વારા આદેશ અપાયા છે. ઉલ્લેખનીય છે કે, રાજનેતાઓની ચૂંટણીની રેલીઓ અને સભાઓ પુરી થતાની સાથે જ, ફરી એકવખત કોરોનાના વાયરસ સક્રિય થઈ ગયા છે. ગુજરાતના મહાનગરોમાં સ્થિતિ બગડી રહી છે, ત્યારે મહાનગર પાલિકાને કડક કામગીરી શરૂ કરી છે. જેમાં ગઈકાલે સુરતમાં પણ કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં સિટી બસ સેવા બંધ કરવાનો વારો આવ્યો છે. તો સાથે જ સુરતના બાગ-બગીચાઓને પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. સુરત શહેર જિલ્લામાં કોરોનાનું ફરી ગંભીર સ્વરૂપ દેખાય રહ્યું છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ દિવસ દિવસે વધી રહ્યું છે. શહેરમાં કોરોના કેસનો આંકડો ૨૦૦ને પાર પહોંચ્યો છે. ત્યારે અમદાવાદના પશ્ચિમમાં આવેલા ૧૪ જેટલા વિસ્તારો માઈક્રોકન્ટેનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે. જેમાં ચાંદલોડિયાના એડન ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ૫૬ મકાનોને માઇક્રોકન્ટેનમેન્ટમાં મૂકવામાં આવે છે. હાલ અહીં અવરજવર પર રોક લગાવી દીધી છે.