અમદાવાદમાં એમેઝોનનું સર્વિસ સેન્ટર સીલ, હજારો ડિલિવરી અટકી

(જી.એન.એસ)અમદાવાદ,રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે રાજ્ય સરકાર દ્વારા ૩૬ જેટલા શહેરોમાં ૧૨ મે સુધી આંશિક લોકડાઉન લગાવ્યું છે. આ ૩૬ શહેરોમાં મોટા ભાગના ધંધા-ઉદ્યોગ ૧૨ મે સુધી બંધ રાખવાનું સૂચન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ દ્વારા પણ કોરોનાની ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા પણ કેન્દ્ર સરકારે જાહેર કરેલી ગાઇડલાઇનનું પાલન કરાવવાની જવાબદારી સ્થાનિક સત્તા મંડળોને આપી છે. જે ૩૬ શહેરો આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે તેમાં ઓફિસમાં ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોઈ પણ ધાર્મિક કાર્યક્રમો ન મનાવવાનું કહેવામાં આવ્યું છે. સાથે પાનના ગલ્લા અને ચાની દુકાનો પણ બંધ કરાવવામાં આવી છે.
અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ વિભાગ દ્વારા અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જે જગ્યા પર નિયમોનો ભંગ થતો જણાય છે. તે જગ્યા પર લોકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાની સોલિડવેસ્ટ વિભાગની ટીમના અધિકારીઓએ અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા એમેઝોન સેલર સર્વિસ સેન્ટર પર તપાસ હાથ ધરી હતી. એમેઝોન સર્વિસ સેન્ટર નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવતા તાત્કાલિક અસરથી આ સર્વિસ સેન્ટરને સીલ કરવામાં આવ્યુ હતું. અધિકારીની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે એમેઝોન સેલર સર્વિસ સેન્ટર પર ૧૦૦ કરતાં વધુ ડીલેવરી બોય એકઠા થયા હતા અને ત્યાં સામાજિક અંતર અને માસ્કના નિયમોનો ભંગ થયો હતો.
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી એમેઝોન સેલર સર્વિસ સેન્ટર કરવામાં આવતા લોકોએ એમેઝોનમાંથી ઓનલાઇન વસ્તુ મગાવી હશે તેમને હવે થોડા દિવસ બાદ વસ્તુની ડિલિવરી મળશે.
ઉલ્લેખનિય છે કે, અમદાવાદ મહાનગરપાલિકાના સોલિડવેસ્ટ વિભાગ અને બીજા વિભાગ દ્વારા પણ શહેરના ખાનગી ઓફિસોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધી ચેકીંગની કામગીરી કામગીરી દરમિયાન ૩૯૦૩ ઓફિસમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું તેમાથી ૩૯ એકમોને સીલ બંધ કરવામાં આવ્યા હતા. કોરોનાના સંક્રમણને કાબુમા લેવા માટે ખાનગી ઓફિસ અને કંપનીમાં ૫૦ ટકા જેટલા કર્મચારીઓ બોલાવવાનું સૂચન કરવામાં આવ્યું છે.