અમદાવાદમાં એટીએમ સેન્ટરમાં તોડફોડ કરનાર યુવકની ધરપકડ

અમદાવાદ,તા.૧૭ અમદાવાદની વેજલપુર પોલીસે એટીએમ સેન્ટરમાં જઇ તોડફોડ કરનારની ધરપકડ કરી છે. આરોપીનો ઈરાદો ચોરી કરવાનો હતો પણ બીજું કારણ એ પણ હતું કે, એટીએમ મશીનમાં રૂપિયા ફસાઈ જતાં યુવકે બેન્કનો સંપર્ક કર્યો હતો. પરંતુ બેંકની નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે ઉશ્કેરાયેલા યુવકે એટીએમ સેન્ટરમાં મશીન પર ઈંટ પછાડી નુકશાન પહોચાડ્યું અને હવે આરોપીને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. શહેરનાં જુહાપુરા વિસ્તારમાં રહેતા અયાઝ ખાન મન્સૂરી મોતી બેકરી પાસેના બેન્ક ઓફ બરોડા બેંકમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ બેંકના એટીએમ સેન્ટર પર એક સિક્યોરિટી ગાર્ડ તહેનાત હોય છે. જે સાંજથી રાત સુધી ડ્યુટી બજાવે છે. રવિવારના રોજ આ ગાર્ડનો અયાઝ ખાન પર ફોન આવ્યો અને જણાવ્યું કે, તે નોકરી પર આવ્યો ત્યારે ડિપોઝીટ મશીનમાં કોઈએ તોડફોડ કરી હોવાનું જણાવ્યું હતું. ત્યાં તેઓએ જઈને જોયું તો મશીનના કાર્ડ રીડર અને ડિપોઝીટ વિન્ડોને નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. ત્યાં ક્રેડિટ ઓફિસરને બોલાવી તપાસ કરાવવામાં આવી હતી. જ્યાં સીસીટીવી જોતા એક શખસ એક્ટિવા પર આવતો હોવાનું દેખાયું હતું. આ શખસ એટીએમ સેન્ટરમાં આવે છે અને બાદમાં આ મશીન પાસે આંટાફેરા કરી બહાર જાય છે અને ઈંટ લઈ આવી મશીન પર પછાડે છે. લૂંટ કે ચોરી કરવાના ઇરાદે શખશે આ હરકત કરતા વેજલપુર પોલીસને જાણ કરાઈ હતી.વેજલપુર પોલીસે આ ગુનામાં આરોપી ફેઝલ શેખની ધરપકડ કરી છે. આરોપીની કહાની કંઈક અજીબ છે. પહેલી નજરે તો આ વ્યક્તિ એટીએમ તોડી અને ચોરી કરવા આવ્યો હોય એવી હકીકત સીસીટીવી જોઈને માલુમ પડે છે. પરંતુ જ્યારે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી ત્યારે બહાર આવ્યું કે, આ યુવક બેંક દ્વારા આપવામાં આવતી સર્વિસ બાબતે દાખવવામાં આવેલી ઘોર બેદરકારીના કારણે આજે કાયદાના કુંડાળામાં ફસાઈ ગયો છે. ફૈઝલને તેના પરિવારના કોઈ વ્યક્તિને તાત્કાલિક રૂપિયા એટીએમ મશીનથી ટ્રાન્સફર કરવાના હતા.
બેન્કના એટીએમ મશીન રૂપિયા તો જમા કરી લીધા પછી ટ્રાન્સફર થવાને બદલે મશીનમાં ટેકનિકલ ખામીની સૂચના આવવા લાગી હતી. આરોપી ફૈઝલ શેખ દ્વારા બેંકના ટોલ ફ્રી નંબર અને અધિકારીઓનો અવારનવાર સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ પરિણામે કોઈ મદદ ન મળી અને ફૈઝલ ઉશ્કેરાઈ ગયો હતો. પોતાના સ્વજનને રૂપિયા ન પહોંચતા અને મશીનમાંથી રૂપિયા બહાર પણ ન નીકળતા યુવકે આખરે કંટાળીને ગુસ્સામાં આવી એટીએમ મશીન નો કાચ તોડી નાખ્યો અને અપરાધી બની ગયો.