અમદાવાદના તબીબોએ ગાંધીધામના ખેડૂતને ૧૨૦ દિવસ વેન્ટિલેટર પર રાખી સાજા કર્યા

ગાંધીધામ : કોવિડ કાળ દરમિયાન એવા અસંખ્ય કિસ્સા સામે આવ્યા છે, જેમાં તબીબોએ સાક્ષાત દેવદૂત બનીને દર્દીની કરેલી સારવારના કારણે નવજીવન મળ્યું હોય છે. આવા જ એક કિસ્સામાં અમદાવાદ શહેરમાં આવેલી ખાનગી
હોસ્પિટલના તબીબોએ કોવિડ-૧૯ના કારણે ૬૭ વર્ષીય પુરુષ દર્દીને ફેફસાં, કિડની અને મગજ ઉપર થયેલી ગંભીર અસરમાંથી સાજો કરવા તેમને સતત ૧૨૦ દિવસ સુધી વેન્ટિલેટર ઉપર સારવાર આપીને કોરોના સામેનો જંગ જીતાડી નવજીવન બક્ષ્યું હતું. ગાંધીધામ નજીકના એક ગામમાં રહેતા ૬૭ વર્ષીય કિશોરસિંહ જાડેજાને ક્યારેય નખમાં પણ રોગ થયો ન હતો, પરંતુ કોઈ કોવિડ પોઝિટિવના સંપર્કમાં આવવાના કારણે તેમને કોરોનાનો ચેપ લાગ્યો હતો. ચેપના લક્ષણો પણ એટલા મોડા દેખાયા કે તેમની સારવારમાં થોડી વાર લાગી ગઈ. ત્યારબાદ તેમને સારવાર અર્થે અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં જ્યાં ચાર દિવસની સારવાર બાદ તેમનો કોવિડ
રિપોર્ટ તો નેગેટિવ આવ્યો, પરંતુ અનેક દર્દીઓમાં જોવા મળે છે તેમ તેમના અન્ય અંગોને ગંભીર ક્ષતિ કરતો ગયો. કોવિડના કારણે કિશોરસિંહના ફેફસાંમાં ફાઈબ્રોસિસ થયો હોવાનું જણાતા તેમને વિજય ચાર રસ્તા પાસે આવેલી રેડિઅન્સ હોસ્પિટલમાં સિનિયર પલ્મોનોલોજિસ્ટ ડો. અજય શાહ પાસે તપાસ અર્થે મોકલવામાં આવ્યા. ડો. અજય શાહે કરેલી તપાસમાં જાણવા મળ્યું કે તેમના ફેફસાં જ નહીં મગજ અને કિડનીમાં પણ ઈન્ફેક્શન ફેલાયું હતું. ફેફસામાં પંક્ચર પડવાને કારણે શરીર ફૂલી ગયું હતું અને સ્નાયુઓ પણ ખૂબ નબળા પડી ગયા હતાં. ચેપના કારણે તેમના ફેફસા બરાબર કામ કરતાં ન હોવાથી તેમને વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતાં. રેડિયન્સ હોસ્પિટલના આઈસીયુ નિષ્ણાંત ડો. અજય શાહ ઉપરાંત ડો. પારસ પટેલ અને ડો. અંકિત ઠાકર સહિતના સ્ટાફે કિશોરસિંહને ફરી સાજા કરવાનું બીડું ઉઠાવ્યું અને રાત-દિવસ તેમની સારવાર ચાલુ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમને આંચકી આવવાની તકલીફ સર્જાતા મગજના રોગના નિષ્ણાંત ડો. દેવશી વિશાણાની પણ સારવાર શરૂ કરાઈ હતી. ૬૦ દિવસ સુધી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર રહ્યાં બાદ તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો, પરંતુ હજુ પણ વધુ સારવાર અને વેન્ટિલેટરની જરૂર હોવાથી પ્રહલાદનગર ખાતે રહેતા દર્દીના પુત્રના ઘરે જ આઈસીયુ ઊભું કરવામાં આવ્યું હતું. ઘરે પણ ૬૦ દિવસ સુધી તેમને વેન્ટિલેટર સાથે સઘન સારવાર શરૂ કરાઈ. અંતે ફરી હોસ્પિટલમાં લાવી વેન્ટિલેટર વિનિંગ પ્રોસેસ શરૂ કરીને ધીમે ધીમે તેમનું વેન્ટિલેટર દૂર કરવામાં આવ્યું હતું. તબીબો તથા દર્દીના પરિવારના સભ્યોની સકારાત્મક્તા અને ધીરજની સાથે સઘન આધુનિક સારવાર કામ આવી અને આજે કિશોરસિંહ વેન્ટિલેટર વગર રહી શકે છે, રોજિંદી ક્રિયાઓ પણ કરી શકે છે અને ખાઈ પણ શકે છે. કોવિડ-૧૯નો ભોગ બનતા પહેલા તેમને કોઈ રોગ હતો નહીં અને આવનારા સમયમાં તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ જશે તેવી પૂરેપૂરી આશા છે.