અબડાસાના હરિપરની સગીરાનું બદકામ કરવાના ઈરાદે અપહરણ

ગાંધીધામના ગળપાદરની પરિણીતાની જાતિય સતામણી કરાતા ફરિયાદ

ભુજ : અબડાસા તાલુકાના હરિપર ગામની સગીર કન્યાનું બદકામ કરવાના ઈરાદે અપહરણ કરાતા નલિયા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જયારે ગાંધીધામ તાલુકાના ગળપાદરમાં રહેતી પરિણીતાનો હાથ પકડીને અભદ્ર ભાષામાં વાત કરી જાતિય સતામણી કરાતા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ અબડાસાના હરિપર ગામે રહેતી ૧૭ વર્ષિય સગીરાનું બદકામ કરવાના ઈરાદે અપહરણ કરાતા ભોગગ્રસ્તના પિતા દ્વારા નલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસ સુત્રોએ આપેલી માહિતી મુજબ ફરિયાદીની સગીર વયની દિકરીનુ આરોપી દેવજી કરશન બ્રહ્મભટ્ટે અપહરણ કર્યું હતું. ૧૭ વર્ષિય સગીરા વાડામાં કપડા ધોવા માટે ગઈ હતી, ત્યારે આરોપીએ અંધારાનો લાભ લઈ ફરિયાદીની દિકરીને લલચાવી – ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું. બનાવને પગલે નલિયા પોલીસે ગુનો નોધતા સીપીઆઈ વાય. એન. લેઉવાએ આગળની તપાસ હાથ ધરી છે.  તો બીજીતરફ ગાંધીધામ તાલુકાના ગળપાદરના ભવાનીનગરમાં રહેતી ૪૬ વર્ષિય પરિણીતાએ આરોપી કિશોર પ્રજાપતિ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આરોપીએ ફરિયાદી મહિલાનો હાથ પકડીને અભદ્ર ભાષામાં વાત કરી હતી. તેમજ અભદ્ર જાતિય સતામણી કરીને છેડતી કરી હતી. ફરિયાદી મહિલા તેનો હાથ છોડાવવા જતા આરોપીએ જમણા હાથની આંગળીમાં ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ફરિયાદીના ઘરની બહાર કુહાડી લઈને આરોપીએ પરિણીતાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોધતા એએસઆઈ પુનમભાઈ મહેશ્વરીએ આગળની તપાસ હાથ ધરી છે.