અબડાસાના બાંડિયામાં બિનવારસુ જમીન પરિવારના નામે ચડાવી બારોબાર વેચી નખાઈ

ભાજપમાંથી ચૂંટાયેલા સદ્દસ્યાના પતિનું કારસ્તાનનો આક્ષેપ

ભુજ : અબડાસા તાલુકાના બાંડિયામાં બિનવારસુ જમીન પરિવારના નામે ચડાવી બારોબાર વેચી નાખવામાં આવી હોવાનો ચર્ચાસ્પદ મામલો સામે આવ્યો છે. ભાજપમાંથી ચૂંટાયેલા સદ્દસ્યના પતિએ જ આ કારસ્તાન કર્યું હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે. બાંડિયા ગામના પ્રવીણસિંહ વિક્રમસિંહ સોઢાએ કલેકટરને કરેલી ફરિયાદ પ્રમાણે બાંડિયામાં સર્વે નંબર ૩૪૬માં ખેતર આવેલ છે, જે ૧૯૬૩માં શાહ અરજણ લખમશીના નામે મંજુર થયું હતું, તેમના અવસાન બાદ વારસદાર જીવરાજ અરજણ અને મીઠીબેન જીવરાજના નામે સંયુક્ત વારસાઈ દાખલ થઈ હતી. આ બંને ખાતેદારોના અવસાન બાદ જમીનનો કોઈ વારસદાર નથી. દરમ્યાન બાંડિયાના જયેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા અને કીર્તિસિંહ કરણસિંહ જાડેજાએ મિલિભગત કરી આ જમીન પચાવવાનો કારસો રહ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. છેલ્લા ર૦ વર્ષથી બાંડિયાના સરપંચ પદે આ ભાઈઓ ચૂંટાઈ આવે છે, જેથી તેઓ જમીનની હકિકત જાણતા હતા, જેથી પ્રથમ વારસાઈ નોંધ નંબર ૧રર૭ વાળી દાખલ કરી જમીન શાહ જયાબેન લક્ષ્મીચંદ જીવરાજના નામે દાખલ કરાઈ હતી. બાદમાં જયેન્દ્રસિંહે પોતાના પત્ની ચેતનાબા જાડેજાના નામે જમીન દાખલ કરાવી હતી. ચેતનાબા જાડેજા વર્તમાન ચૂંટણીમાં ભાજપની તાલુકા પંચાયત સીટ પરથી ચૂંટાઈ આવ્યા છે. તેમજ અબડાસા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદની રેસમાં પણ ઉભા રહ્યા હતા. જયેન્દ્રસિંહે પત્નીના નામે બોગસ દસ્તાવેજ બનાવી આ જમીન રમેશકુમાર રતનશી પટેલ તથા પરષોત્તમ રતનશી પટેલને વેચી હતી. આ બોગસ જમીન વેચાણ પ્રકરણમાં વારસાઈ, સોંગદનામા, પેઢીનામા સહિતની વિગતોની ચકાસણી કરવામાં આવે તો અનેકોના પગ તળે રેલો આવશે તેવો આક્ષેપ કરાયો છે. આ મુદ્દો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે. દરમ્યાન આક્ષેપોની ખરાઈ બાબતે જયેન્દ્રસિંહને પુછતાં તેઓએ જણાવેલ કે વાદવાળી જમીન સર્વે નં. ૩૪૬ની મિલકત તેઓએ ખરીદી છે. છળકપટથી મેળવી નથી. મૂળ માલિકના વારસદાર એવા દીકરી પાસેથી જમીન ખરીદવામાં આવી છે, જેઓ હાલમાં ગામમાં જ રહે છે. જયાબેન રતનશી શાહ તેઓ લક્ષ્મીચંદના દીકરી છે, તેઓ પાસેથી જમીન ખરીદી હોવાનું જણાવ્યું હતું. અન્ય આક્ષેપોને પાયા વિહોણા લેખાવ્યા હતા.