અબડાસાના ધારાસભ્યએ જખૌ બંદરની મુલાકાત લઈને લોકોને કર્યા સચેત

નલિયા : અરબી સમુદ્રમાં  કચ્છ તરફ આગળ વધી રહેલા સંભવિત તૌકતે ચક્રવાતની કુદરતી આફત સામે દરેક પરિસ્થિતિમાં પહોંચી વળવા અને લોકોમાં જાગૃતતા લાવવા અબડાસાના ધારાસભ્ય દ્વારા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહીને કામગીરી કરાઈ રહી છે. નલિયાની મામલતદાર કચેરી ખાતે પોલીસ, પાણી પુરવઠા, વિજ વિભાગ, આરોગ્ય સહિતના વહીવટીતંત્ર સાથે કલેકટર પ્રવિણા ડી.કે.નાં અઘ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ મિટિંગ યોજાઈ હતી. જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાએ ઉપસ્થિત રહીને દરેક વિભાગના અધિકારીઓને સંકલનમાં રહીને લોકોને મુશ્કેલી ન પડે તે અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમજ દરિયાઈ કાંઠા વિસ્તારના ગામડાઓ તેમજ જખૌ બંદરની મુલાકાત લઈને સ્થાનિક લોકોને સ્થળાંતર કરવા અપીલ કરી હતી. આ કુદરતી આફતનો સામનો કરવા વહીવટીતંત્ર દ્વારા જે સૂચનાઓ આપવામાં આવે તેનું પાલન કરવા અપીલ કરી હતી. માછીમાર સંગઠનના હુસેન સંઘાર, ઉમર ઇશાક વાઘેર સાથે માછીમારોને દરિયો ન ખેડવા તેમજ જે બોટો પાછી નથી આવી તે અંગે ચર્ચા કરી હતી. ધારાસભ્ય દ્વારા કરાયેલી મુલાકત દરમિયાન જયદીપસિંહ જાડેજા, મૂળરાજભાઈ ગઢવી, મહાવીરસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, સાલેમામદ વાઘેર સહિતના જોડાયા હતા.