• તાલુકા પંચાયતમાં સત્તા હાંસીલ કરવા ભાજપની જોડ-તોડની નીતિ વચ્ચે…

પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતની અધ્યક્ષતામાં પ્રમુખ – ઉપપ્રમુખની ચૂંટણી માટે મળી બેઠક : બન્ને હોદા માટે કોંગ્રેસની સાથોસાથ ભાજપે પણ નોંધાવી હતી દાવેદારી : ચૂંટણી અધિકારી દ્વારા સદસ્યોના મૌખિક મતદાનમાં કોંગ્રેસના પ્રમુખ તેજબાઈ કેર અને ઉપપ્રમુખ તરીકે મોકાજી સોઢાને ૧૦-૧૦ મત મળ્યા

(બ્યુરો દ્વારા)નલીયા : આખરે અબડાસા તાલુકા પંચાયત રપ વર્ષ બાદ કોંગ્રેસે કબજે કરી છે. હનીફ બાવા પઢિયારના નેતૃત્વમાં કોંગ્રેસના ૧૦ સદસ્યો ચૂંટાયા પણ ખરા અને પ્રમુખ અને ઉપપ્રમુખની જવાબદારી મળતાની સાથે જ અબડાસા તાલુકા પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત તાલુકા પંચાયત પ્રમુખ તરીકે લઘુમતિ મહીલાની વરણી આજરોજ નલીયા ખાતે મળેલી બેઠકમાં કરવામાં આવી હતી. તાલુકા પંચાયતમાં સત્તા હાંસીલ કરવા ભાજપ દ્વારા જોડ-તોડની નીતિ કરવામાં આવી હતી, પરંતુ તેનો ફિયાસ્કો થયો છે. સદસ્યોના મૌખિક મતદાનમાં કોંગ્રેસના ઉમેદવારો ૧૦ વિરૂદ્ધ ૮ મતથી વિજેતા જાહેર થયા હતા. આજરોજ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે બબ્બે ફોર્મ ભરાતા મૌખિક મતદાન યોજવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર તેજબાઈ લાખા કેરને ૧૦ મત અને ભાજપના ચેતનાબા જયેન્દ્રસિંહ જાડેજાને ૮ મત મળતા તેજબાઈ કેરને પ્રાંત અધિકારી દ્વારા પ્રમુખ જાહેર કરાયા હતા. ઉપપ્રમુખના મૌખિક મતદાનમાં કોંગ્રેસના મોકાજી હમીરજી સોઢાની તરફેણમાં ૧૦ અને ભાજપના ઈબ્રાહીમ વાઘેરની તરફેણમાં ૮ જણ રહેતા મોકાજી સોઢાને ઉપપ્રમુખ જાહેર કરાયા હતા. આ પ્રસંગે કોંગ્રેસ તરફથી નીરીક્ષક હીરાભાઈ જોટવા સાથે કિશોરસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ મોકાજી જાડેજા, માજી તા.કોંગ્રેસ પ્રમુખ ઈકબાલભાઈ મંધરા, હનીફભાઈ પડયાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આમ ભાંગફોડની શક્યતા વચ્ચે આજે શાંતિપુર્ણ રીતે બેઠક સંપન્ન થતા કોંગ્રેસને હાશકારો થવા સાથે હવે ભાજપને વિપક્ષની ભુમિકા ભજવવી પડશે. બેઠકમાં કાર્યવાહી દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી જે.પી.ગોર, એટીડીઓ ખોડુભા વાઘેલા, નિંકુજભાઈ ભટ્ટ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.પોલીસ દ્વારા ૪ થી પ પી.એસ.આઈ. નલીયા સીપીઆઈ યશોદાબેન લેઉઆની આગેવાનીમાં ચાંપતો બંદોબસ્ત રખાયો હતો. અત્રે નોંધનીય છે કે, અબડાસા તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસે ૧૦ અને ભાજપે ૮ બેઠકો જીતી હતી કોંગ્રેસની સ્પષ્ટ બહુમતી હોવા છતાંય કોંગ્રેસના સદસ્યો પક્ષ પલટો ન કરે અને ભાજપ તાલુકા પંચાયત કબજે ન કરે એ માટે કોંગ્રેસના હનીફબાવા પઢિયાર, ઈકબાલભાઈ મંધરા, કિશોરસિંહ જાડેજા, જિલ્લા પ્રમુખ યજૂવેન્દ્રસિહ જાડેજા, અબડાસા તાલુકા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ સહિતના આગેવાનો ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારથી આજદિન સુધી ભારે મહેનત ઉઠાવી હતી. ભાજપ દ્વારા દાવેદારી નોંધાવાતા કોંગ્રેસ અગ્રણીઓ સક્રિય થયા હતા અને અટકળો વચ્ચે કોંગ્રેસે આજરોજ અબડાસા તાલુકા પંચાયત કબજે કરી હતી જેમાં પ્રમુખ તરીકે મોટી બેર બેઠક પરથી ચૂટાયેલા તેજબાઇ લાખા કેર અને ઉપપ્રમુખ તરીકે કોઠારા બેઠક પરથી ચૂટાયેલા મોકાજી હમીરજી સોઢાની વરણી કરવામાં આવી હતી જેને કોંગ્રેસ અગ્રણીઓએ વધાવી હતી, તેમજ નવ નિયુક્ત હોદેદારોને ફુલહાર પહેરાવી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા છેલ્લે સુધી એડીચોટીનું જોર લગાવાયુ હતું પણ સફળતા મળી ન હતી