અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકોની ભરતી-૨૦૨૧

કચ્છ જિલ્લામાં ૬૦ ઉમેદવારો પૈકી હાજર ૫૯ ઉમેદવારોને નિમણુંક પત્રો વિતરણ કરાયાં

૨૦ શિક્ષણ સહાયકોને કલેકટરશ્રીએ હુકમ એનાયત કર્યા

બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકોની ભરતી-૨૦૨૧ અન્વયે શાળા ફાળવણી પામેલ રાજયના કુલ ૨૯૩૮ ઉમેદવારોને નિમણુંક હુકમ આપવાનો કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી ઓનલાઇન યોજવામાં આવ્યો હતો.

જે અન્વયે શિક્ષણ વિભાગ, નિયામકશ્રી શાળાઓની કચેરી, ગાંધીનગર ગુજરાત રાજય દ્વારા ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી કરવામાં આવે છે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં ૬૦ ઉમેદવારો પૈકી હાજર ૫૯ ઉમેદવારોને નિમણુંક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કચ્છ જિલ્લામાં આયોજન કચેરી ખાતે કચ્છ જિલ્લાના ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાના ૨૦ ઉમેદવારો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે કાર્યક્રમમાં જોડાયા હતાં. તેમાં કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી.એન. પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.પી. પ્રજાપતિ દ્વારા નિમણૂક પત્ર વિતરણ કરવામાં આવ્યા અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં બીજા ૩૯ ઉમેદવારોને નિમણૂક પત્ર અપાયા હતા.