માતાનામઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વેકિસન લેતા બુધા ગામના મુસ્લિમ અગ્રણી અલીમામદ મુસા જણાવે છે કે, “કોરોનાને હરાવવા વેકિસન લેવી ખુબજ જરૂરી અને હિતાવહ છે. જેથી દરેક નાગરિકે રસી લેવી જ જોઇએ.” વધુમાં તેઓ જણાવે છે કે, “ગ્રામિણ ક્ષેત્રે લોકોને બહુ માહિતી હોતી નથી. જયારે તેમના ક્ષેત્રના કોઇ અગ્રણી આગળ આવી રસી લે અને અન્ય લોકોને પ્રોત્સાહન આપે તો વધુ લોકો તે તરફ પ્રેરાય છે. એક જાગૃત નાગરિક તરીકે મારી અને મારા પરિવારની સુરક્ષા માટે મેં આજે રસી લીધી છે અને જેટલા થઇ શકે એટલા અમારા વિસ્તારના વધુને વધુ લોકોને હું રસી લેવા માટે પ્રોત્સાહિત કરીશ જેથી આ રસીકરણ માટેનો સરકારનો પ્રયાસ સાર્થક બને અને લોકો સલામત અને સુરક્ષિત બને.

જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ છે -કોન્ટ્રાકટર ખુમાનસિંહ જેઠવા

મુન્દ્રા ટાઉનશીપ ખાતે કન્સ્ટ્રકશનનો બિઝનેશ કરતા આદિપુરના ૬૭ વર્ષિય ખુમાનસિંહ મુન્દ્રા-બારોઇ રોડ ખાતે શિશુમંદિરમાં કોવીશીલ્ડ વેકસીન લેવા પોતાની પત્ની સાથે આવ્યા હતા. કંડલા પોર્ટ બંદર ખાતેથી નિવૃત ઓફિસશ્રી ખુમાનસિંહ રસી લીધા બાદ પોતાની વાત શબ્દોમાં વ્યકત કરે છે.

“મારૂ નામ ખુમાનસિંહ જેઠવા હું સરકારી ઓફિસર તરીકે નિવૃત જીવન ગાળું છું. મને જાણવા મળેલ તે મુજબ કોવીડ-૧૯ની રસી લેવી ખુબજ જરૂરી છે. તેનાથી મને કોઇપણ જાતની સાઈડ ઈફેકટ થયેલ નથી આપણે ભારતીયોના અહો ભાગ્ય છે કે સરકાર તરફથી આપણને આ રસી વિનામૂલ્યે મળે છે. અન્ય દેશોમાં તે કદાચ ચાર્જ લેતા હશે. એક જાગૃત નાગરિક તરીકેની આપણી ફરજ છે કે, આપણા દેશમાં શોધાયેલ રસીનો આપણે જરૂરથી લાભ લેવો જોઇએ અને આપણે પોતાની જાતને તથા કુટુંબને રોગપ્રતિકારક શકિત કોવેકિસન થકી વધારી શકાશે એમ કુટુંબ તથા આપણે સુરક્ષિત રહીશું.

સમાજ જાગશે તો કોરોના ભાગશે

“કોઇપણ વસ્તુ કે નિયમ માટે વ્યકિત માટે સમાજ અસરકારક પરિબળ છે. આથી અમે નકકી કર્યુ કે રસીકરણ અભિયાન સમાજવાડી, સમાજથી પણ શરૂ કરીએ” એમ માંડવી તાલુકા આરોગ્ય અધિકારી ડો.કૈલાશપતિ પાસવાન જણાવે છે.

૨૭મી માર્ચ સુધી માંડવી તાલુકામાં વૃધ્ધો અને ગંભીર બિમારીવાળા થઇ કુલ ૧૧,૦૨૮ વ્યકિતઓને કોવીશીલ્ડ રસી આપવામાં આવી છે.

ડો.પાસવાન કહે છે “ માંડવી શહેરના સોની, લોહાણા, જૈન અને સલાટ સમાજના ૯૦ ટકા પાત્રતા ધરાવતા લોકોમાં કોવીશીલ્ડ રસી મુકાઇ ગઇ છે. સમાજ દ્વારા રસીકરણ અભિયાનમાં અશિક્ષિત કે રસી માટે ભય રાખનારા લોકો પણ રસી મુકાવવા પ્રેરાય છે. તો ઘણા એવા છે જે કોઇ ચોક્કસ સ્થળે જ રસી મુકાવવાનું પસંદ કરે કે આવે તો જે તે સમાજના લોકો સમાજ આગેવાનની વાતને માન રાખીને પણ અચૂક રસી મુકાવે છે.”

કુલ ૧૬૦૦ જેટલા વ્યકિતઓને રસીના બે ડોઝ પુરા થયા છે તેમજ આગામી એપ્રિલથી અમે આ અભિયાન વધુ વેગપૂર્વક ચલાવીશું એમ ડો.પાસવાન કહે છે.

જો સમાજ જાગશે તો  કોરોના અવશ્ય ભાગશે એમ કહેવું આ તકે બરાબર જ છે એ જે તે સમાજની રસીકરણ માટેના હકારાત્મક પ્રતિભાવથી અનુભવી શકાય છે.