અક્ષરધામ-મંદિર હુમલા આધારિત-ફિલ્મઃ અક્ષય ખન્ના કમાન્ડોના રોલમાં

(જી.એન.એસ) મુંબઇ, એસ્સેલ ગ્રુપ સંચાલિત ઓન-ડીમાન્ડ ઈન્ટરનેટ સ્ટ્રીમિંગ મિડિયા પ્રોવાઈડર કંપની ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર ૨૦૦૨માં થયેલા ભયાનક આતંકવાદી હુમલાની ઘટના પર આધારિત ફિલ્મ બનાવે છે, જે ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સના અધિકારી (કમાન્ડો)ના રોલ માટે એણે અક્ષય ખન્નાને પસંદ કર્યો છે. આ ફિલ્મનું નામ છેઃ ‘સ્ટેટ ઓફ સીજઃ ટેમ્પલ એટેક’. મેજર હનૌતસિંહનો રોલ ભજવનાર અક્ષયનો પહેલો લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. ડિજિટલ પ્લેટફોર્મ પર અક્ષય ખન્નાની આ પહેલી જ ફિલ્મ હશે. આ ફિલ્મનું દિગ્દર્શન કરશે કેન ઘોષ, જેમણે હાલમાં જ વેબસિરીઝ ‘અભય-૨’ અને ‘લેફ્ટેનન્ટ કર્નલ (રિટાયર્ડ)’ પણ બનાવી હતી. ‘સ્ટેટ ઓફ સીજઃ ટેમ્પલ એટેક’ ફિલ્મની પ્રીમિયર રજૂઆત આ જ વર્ષમાં ઝી-૫ પર કરવામાં આવશે.ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ સ્વામીનારાયણ મંદિર પર ૨૦૦૨ની ૨૪ સપ્ટેમ્બરે ત્રાસવાદીઓએ ભયાનક હુમલો કર્યો હતો. એમાં ૩૦ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને ૮૦થી વધારે લોકો ઘાયલ થયા હતા. રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને સંભાળી હતી અને આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.