(જી.એન.એસ)જલગાંવ,અંધશ્રદ્ધાનો ભોગ બનેલા પિતાએ ૧૧ વર્ષની માસૂમ દીકરીને ભૂખી-તરસી એક રૂમમાં પૂરી રાખતાં તેનું મૃત્યુ થયું હોવાની ઘટના જળગાંવમાં બની હતી. મૃત્યુ બાદ બાળકીના મૃતદેહને દાટી દીધો હોવાનું તપાસમાં જણાતાં પોલીસે દંપતીની ધરપકડ કરી હતી.સૂત્રોના જણાવ્યા મુજબ ઘટના જળગાંવ જિલ્લાની રઝા કૉલોનીમાં બની હતી. પોતાની પુત્રી અપશુકનિયાળ હોવાનો વિચાર પિતાના મનમાં ઘર કરી ગયો હતો. આ વિચારને પગલે તેણે પુત્રીને એક રૂમમાં પૂરી દીધી હતી અને તેને ભૂખી-તરસી રાખી હતી.અમુક દિવસ સુધી ભોજન ન મળતાં પુત્રીનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. તેમ છતાં પિતાને દયાને આવી નહોતી. આખરે ભૂખમરાને કારણે પુત્રીએ જીવ ગુમાવ્યો હતો. પડોશીઓની જાણબહાર પુત્રીને દફનાવી દંપતી તેમની અન્ય બે પુત્રી સાથે બીજે રહેવા જતું રહ્યું હતું.કહેવાય છે કે બાળકીના કાકાને શંકા જતાં તેણે પોલીસને જાણ કરી હતી. પોલીસે દંપતીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી. દફનાવાયેલા બાળકીના મૃતદેહને તહેસીલદારની હાજરીમાં પોલીસે બહાર કાઢ્યો હતો. પોસ્ટમોર્ટમના અહેવાલમાં ભૂખમરાને કારણે બાળકીનું મૃત્યુ થયું હોવાનું જણાયું હતું.