અંજાર સીમની વાડીમાંથી રપ લાખનો શરાબ ઝડપાયો

(ક્રાઈમ પ્રતિનિધિ)
અંજાર : અહીંથી સાપેડા જતા માર્ગ પર એચપી પેટ્રોલ પંપ પાસે અંજાર સીમ વિસ્તારમાં આવેલી વાડીમાં સ્થાનીક પોલીસે દરોડો પાડીને રપ.ર૦ લાખના શરાબ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય બે શખ્સોનું નામ ખુલતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે દરોડામાં ૬૦૦ પેટી શરાબ સહિત ત્રણ બાઈક અને કાર મળી ર૭.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ બોર્ડર રેન્જના આઈજીપી જે. આર. મોથલીયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સુચનાથી અંજાર પીઆઈ એમ. એન. રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન મળેલી બાતમી હકિકતને આધારે અંજારથી સાપેડા જતા રોડ પર એચપી પેટ્રોલ પંપ આગળ અંજાર સીમ વિસ્તારમાં આવેલી શાંતિલાલ સામજીભાઈ ડાંગર અને કાકાઈ ભાઈ મુકેશ લખુભાઈ ડાંગરના કબજા ભોગવટાની વાડીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.