અંજાર પોલીસ સ્ટેશન દ્વારા ઝડપાયેલ ૧.૪૦ કરોડના શરાબનો કરાયો નાશ

અંજાર : પૂર્વ કચ્છમાં આવેલ અંજાર પોલીસ મથકની હદમાં ઝડપાયેલા દારૂ-બીયરના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટ માંથી હુકમ મેળવીને શિણાય ગામે સરકારી પડતર જમીનમાં ૧.૪૦ કરોડના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. કચ્છ બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથાલીયા તેમજ પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલની સુચનાને પગલે અંજાર પોલીસ સ્ટેશનમાં ગત ૨૦મી ઓક્ટોબર ૨૦૨૦થી ૨૧ મે ૨૦૨૧ સુધી ઝડપાયેલા પ્રોહિબીશનનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે વિવિધ દરોડામાં ઝડપી પાડેલા દારૂના નાશ માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂની ૭૫૦ એમએલની ૩૨ હજાર ૭૩૩ નંગ બોટલ જેની કિંમત ૧ કરોડ ૨૧ લાખ ૪૨ હજાર ૧૪૫ તેમજ રૂપિયા ૮ લાખ ૯૬ હજાર ૪૦૦ની કિંમતના ૮,૯૦૪ નંગ બીયરના ટીન મળીને કુલ ૧ કરોડ ૪૦ લાખ ૨૯ હજાર ૨૯૫નો પ્રોહિબીશન મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. નાયબ પોલીસ અધીક્ષક ડી.એસ. વાઘેલા તેમજ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ વી.કે જાેષીની ઉપસ્થિતિમાં અંજાર પોલીસ સ્ટેશનના પી.આઇ એમ.એન. રાણા તેમજ નશાબંધી અને આબકારી અધિકારી સહિતના પોલીસ અધિકારી-કર્મચારીઓએ દારૂ નાશ કરવાની પ્રક્રિયા કરાવી હતી. શિણાય ખાતે આવેલી સરકારી પડતર જમીનના પટ્ટ પર દારૂનો પર બુલ્ડોઝર ફેરવીને નાશ કરાતા દારૂની નદીઓ વહી હતી. પ્રોહિબીશન મુદ્દામાલનો નાશ કરાતા શિણાયનો સીમાડામાં દુર્ગંધ ફેલાઈ હતી.