અંજાર પોલીસે ભંગારના વાડામાં પાંચ ચોરાઉ કાર સાથે એક ઝડપી પાડ્યો

અંજાર : અહીંના ભુજ બાયપાસ રોડ પર આવેલા ક્રિષ્નનગર-રમાં આવેલા ભંગારના વાડામાંથી પોલીસે ચોરી કે છળકપટથી મેળવવામાં આવેલી પાંચ કાર અને તેનો ભંગાર ઝડપી પાડ્યો હતો. પોલીસની કાર્યવાહીમાં શેખ ટીંબા વિસ્તારમાં રહેતા એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ રેન્જ આઈજીપી જે.આર. મોથલિયા તેમજ પૂર્વ કચ્છ મયૂર પાટીલની સૂચનાને પગલે અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ. વાઘેલાના માર્ગદર્શન અંજાર પીઆઈ એમ.એન. રાણાની રાહબરી તળે પોલીસ સ્ટાફ વાહન ચોરીના બનાવો શોધવા માટે પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પીઆઈ શ્રી રાણાને મળેલી બાતમીના આધારે અંજાર – ભુજ બાયપાસ રોડ ક્રિષ્નાનગર-રમાં આવેલા ઝમઝમ સ્ક્રેપ નામના ભંગારના વાડામાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે ભંગારના વાડામાંથી ૩ અલ્ટો, એક સ્વીફટ અને એક મારૂતિ ૮૦૦ મળીને પાંચ વાહનો તેમજ એક વાહનનો ભંગાર કબ્જે કર્યો હતો. પોલીસની કાર્યવાહીમાં શેખ ટીંબા વિસ્તારમાં રહેતા હારૂન ઉંમર કુંભારની ધરપકડ કરાઈ હતી. જયારે કાસમ આમદ કુંભાર નામનો આરોપી દરોડા દરમિયાન હાજર મળ્યો ન હતો. પોલીસે આરોપીના કબ્જામાંથી જી.જે. ૧ર એપી ૪૮૯૧ નંબરની મારૂતિ ૮૦૦, જી.જે. ૧ર એઈ ૩૮૬૬ નંબરની સ્વીફટ તેમજ જી.જે. ૧ર એઈ ૩૭૦ર, જી.જે. એકે ૬૧૬૩ અને જી.જે. ૧ર જે ૭૮પ૩ નંબરની ૩ અલ્ટો કાર કબ્જે કરી હતી. ૪ લાખની પાંચ કાર અને તેમજ ૧૦ હજારનો ભંગાર મળીને પોલીસે કુલ ૪.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.