ઉપપ્રમુખ તરીકે દેશીબેન હુંબલ, કારોબારી ચેરમેન પદે આંબાભાઈ રબારી, દંડક તરીકે સંદીપભાઈ ચાવડા અને શાસક પક્ષના નેતા તરીકે પરમાભાઈ પટેલને જવાબદારી સોંપાઈ

અંજાર : તાલુકા પંચાયતની ર૦ બેઠકોમાંથી ભાજપે ૧પ બેઠકો અંકે કરી હતી. જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર પાંચ જ બેઠકો આવી હતી. અંજારમાં પણ ભાજપે સર્વાધિક બેઠકો પ્રાપ્ત થતા અહીં પણ ભાજપ પ્રેરીત તાલુકા પંચાયતની રચના માટે ચૂંટાયેલા ભાજપના સભ્યોએ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના હોદ્દાઓ માટે આજરોજ વરણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ પદે રાજીબેન હુંબલની વરણી કરવામાં આવી છે. આજરોજ અંજાર ખાતે તાલુકા પંચાયતના હોદેદારોની વરણી માટે બેઠક યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે નિંગાળ બેઠકના રાજીબેન શંભુભાઈ હુંબલ, ઉપપ્રમુખ તરીકે ચાંદ્રાણી બેઠકના દેશીબેન ધનજીભાઈ હુંબલ, કારોબારી ચેરમેન તરીકે વરસામેડી બેઠકના આંબાભાઈ રબારી અને શાસકપક્ષના નેતા તરીકે મેઘપર બોરીચી બેઠકના પરમાભાઈ પટેલ અને દંડક તરીકે વીરા બેઠકના સંદીપભાઈ ચાવડાની જાહેરાત કરવામાં આવી છે. નક્કી થયેલા હોદ્દેદારો દ્વારા તાલુકા પંચાયત ખાતે ફોર્મ ભરવામા આવ્યા હતા. જે વેળાએ નરેન્દ્રસિંહ જાડેજા, વિંજુુબેન રબારી, શંભુભાઈ આહિર, કાનજીભાઈ આહિર સહિતના જોડાયા હતા. આવતીકાલે યોજાનારી સામાન્ય સભામાં તમામ નક્કી થયેલા હોદ્દેદારોની ઔપચારીક વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.