અંજાર- ગાંધીધામ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર યુવકનું મોત

ભુજ: કચ્છના માર્ગો દરરોજ રક્ત રંજીત બની રહ્યા છે. ત્યારે અંજાર ગાંધીધામ હાઈવે ફરી પ્રાણઘાતક સાબીત થયો હતો. બાઈક લઈને જતા યુવકની ટ્રક સાથે ટક્કર થતા બાઈક પર સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. અંજાર ગાંધીધામ હાઈવે પર હોલિડે રિસોર્ટની બાજુમાં આ બનાવ બન્યો હતો. અંજાર પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ આજે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં ઘટના બની હતી. અંજારના વરસામેડીમાં જલારામ નગરમાં રહેતા 24 વર્ષિય જીતેન્દ્રસિંહ મનોહરસિંહ સિસોદીયા પોતાની બાઈક લઈને કંપનીમાં નોકરીએ જતા હતા. ત્યારે હોલિડે રિસોર્ટ પાસે ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થતા માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. રોડ પર લોહીના ખાબોચીયા ભરાઈ ગયા હતા. ઘટનાને પગલે લોકો સ્થળ પર દોડી આવ્યા હતા. જો કે માથામાં ગંભીર ઈજાઓ થવાથી યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હોવાનું પોલીસે જણાવ્યુ હતું. આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી.