અંજારમાં ૧૦ કરોડની ખંડણીના પ્રકરણમાં આરોપીઓની કરાઈ ઓળખ પરેડ

અંજાર : અંજારની યુવતિનું અપહરણ કરીને રૂા.૧૦ કરોડની ખંડણી માંગ્યાના બનાવમાં પોલીસે ઝડપી પાડેલા ૪ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને ઓળખ પરેડ કરાઈ હતી. ગત ૧પમી જાન્યુઆરીએ અંજારની યુવતિનું અપહરણ કરીને તેના વાલી પાસેથી રૂા.૧૦ કરોડની ખંડણી માંગવામાં આવી હતી. જે બનાવ સંદર્ભે આરોપી હિતેશભાઈ ઉર્ફે રાજ જયંતીલાલ કાતરિયા, રવજી ઉર્ફે રવિ ખીમજીભાઈ હડિયા, વિકાસ દયારામ કાતરિયા તેમજ હસમુખ બાબુલાલ માળીની પોલીસે ધરપકડ કરીને અંજારમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ કરાવાઈ હતી. જેમાં ભોગ બનનાર અને અન્ય સાક્ષીઓએ આરોપીઓને ઓળખી બતાવ્યા હતા તો આરોપીઓએ જે જગ્યાએથી ગુનો આચરવા મોબાઈલ ફોનની ખરીદી કરી હતી તેમજ ગાડીનો રંગ/વર્ણન બદલવા જે જગ્યાએ રેડિયમ લીધી હતી તે સ્થળની તપાસ કરાઈ હતી અને પોલીસે પુરાવાઓ એકત્ર કરવા કાર્યવાહી હાથ ધરી છે.