અંજારમાં ફ્રુટના રિટેલ વેપારીઓ વધુ ભાવ લેશે તો કાયદાકીય કાર્યવાહી કરાશે : મામલતદાર

હાલની સ્થિતિમાં ફળના વધુ ભાવો વસૂલાતા હોવાની ફરિયાદો બાદ અંજારના હોલસેલર ફળફળાદિ વેપારીઓ સાથે તંત્રની યોજાઈ મિટીંગ : જાે રિટેલર વેપારી ઓછા ભાવ નહીં લે તો હોલસેલર વેપારીઓ અંજારની જનતાને હોલસેલ ભાવે ફળનું વેચાણ કરશે : અંજાર માટે લેવાયેલ આ નિર્ણય સમગ્ર જિલ્લામાં લાગુ થાય તેવી લોકમાંગ

અંજાર : હાલમાં કોરોના વાયરસની પરિસ્થિતિએ માથું ઉંચક્યું છે. ઘેર-ઘેર બીમારીના ખાટલા જાેવા મળી રહ્યા છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે તેમના સ્વજનો ફળફળાદિ ખરીદી તેનું જ્યુશ બનાવી આપતા હોય છે. ઘણા લોકો ઈમ્યુનિટી વધારવા ફળોનું સેવન પણ કરે છે. જાેકે, છેલ્લા કેટલાક સમયથી તકસાધુઓ આ મહામારીમાં પણ રૂપિયા કમાવવા બેસી જતા ફળના ભાવો આસમાને આંબી ગયા હતા. અંજારમાં ફળના ઉંચા ભાવો વસૂલાતા હોવાની ફરિયાદો બાદ તંત્રએ આવકારદાયક નિર્ણય લીધો છે, જે પ્રમાણે જાે અંજારના રિટેલર વેપારીઓ ફળના વધુ ભાવ વસૂલશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અંજાર મામલતદાર કચેરી ખાતે મામલતદાર એ.બી. મંડોરી, નાયબ મામલતદાર વૈભવ વ્યાસ તેમજ એપીએમસીના સેક્રેટરી મુળજીભાઈ મ્યાત્રા, અંજાર શહેરના હોલસેલર ફ્રુટ વેપારીઓની આજે સંયુક્ત મિટીંગ યોજાઈ હતી, જેમાં શહેરમાં રિટેલ વેપારીઓ દ્વારા ફળના ઉંચા ભાવો કેમ વસૂલાય છે તેની ચર્ચા કરાઈ હતી. ચર્ચા દરમ્યાન હોલસેલમાં ફ્રુટના કેટલા ભાવો છે અને રિટેલમાં તેનું કઈ કિંમતે વેચાણ થાય છે તેની ચર્ચા કરાઈ હતી, જે બાદ નિર્ણય લેવાયો કે હોલસેલર વેપારીઓ જે કિંમતે ફળનું વેચાણ કરે છે તેમાં પાંચથી દસ ટકા માર્જીન રાખી રિટેલમાં વેચાણ થશે. કોઈ વધુ કિંમત વસૂલાશે નહીં. હોલસેલમાં સફરજનના ૧૮૦ થી ર૦૦, મોસંબીના ૭પ થી ૯૦, દાડમના ૪૦ થી પ૦, ચીકુના ર૦ થી રપ, નાળિયેરના ૪૦ થી પ૦, પાઈનેપલના પીસ દીઠ પ૦ થી ૬૦, તરબુના ૮ થી ૧૦, શક્કરટેટીના ૧પ થી ર૦, દ્રાક્ષના ૧૦૦ થી ૧૧૦, સંતરાના ૧૧૦ રૂપિયા ભાવ હોવાનું જણાઈ આવ્યું હતું. રિટેલમાં આ કિંમતથી વધુ ભાવે ફળ ન વેચાય તે માટે હોલસેલ વેપારીઓને સૂચના અપાઈ છે. અંજાર મામલતદાર એ.બી. મંડોરીએ જણાવ્યું કે, હોલસેલ વેપારીઓ સાથે મિટીંગ કરી ફળના ભાવો નોટ કર્યા છે. હોલસેલ વેપારીઓ દ્વારા અપાયેલા ભાવમાં પ થી ૧૦ ટકા માર્જીન રાખી રીટેલમાં વેચાણ કરી શકાય. જાે વધુ ભાવો લેવામાં આવશે તો રીટેલ વેપારી સામે કાયદેસરના સખ્ત પગલાં લેવામાં આવશે. હોલસેલ વેપારીઓએ ખાત્રી આપી છે કે જાે રિટેલ વેપારીઓ વધુ ભાવ લેશે તો તેઓ ખુદ પોતાના સ્ટોલ લગાવી હોલસેલ ભાવે અંજારની જનતાને ફળનું વેચાણ કરશે. અત્રે નોંધનીય છે કે, સમગ્ર જિલ્લામાં આજ પરિસ્થિતિ છે ત્યારે દરેક તાલુકામાં આ પ્રમાણે નિર્ણય લેવાય તો લોકોને મોટી રાહત થશે.