અંજારમાં ગાડીના સોદા પેટે ૯૦ હજારની છેતરપિંડી

(ક્રાઈમ પ્રતિનિધિ)

અંજાર : જામનગરમાં રહેતા અને વાહન લે – વેચના ધંધા સાથે સંકળાયેલા યુવાન સાથેે અંજારના ચારેક શખ્સોએ કારના સોદા પેટે ૯૦ હજારની છેતરપિંડી કરતા અંજાર પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો હતો.  પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના ભુટાભાઈ હાજાભાઈ જાપડા (ભરવાડ) (ઉ.વ.૩૦)એ આરોપી સલીમ ઓસમાણ શેખ તેમજ અન્ય ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈને આઈ-ર૦ કારનો સોદો કરવા માટે અંજાર બોલાવ્યો હતો. અંજારના ગંગાનાકા નજીક ફરિયાદીને ગાડી બતાવવામાં આવી હતી અને ગાડીના સોદા પેટે એક અજાણ્યા શખ્સે ફરિયાદી પાસેથી રૂા. ૯૦ હજાર લીધા હતા. ત્યાર બાદ ફરિયાદીના મિત્ર સુરેશભાઈને આરોપીઓએ ગાડીમાં રાઉન્ડ માટે લઈ જઈ નીચે ઉતારીને નાસી ગયા હતા. જેમાં આરોપી સલીમ શેખ સહિતના શખ્સોએ એક – બીજાની મદદગારી કરી ફરિયાદી સાથે રૂા. ૯૦ હજારની ઠગાઈ આચરતા અંજાર પોલીસે ગુનો નોધ્યો હતો, જેને પગલે પીએસઆઈ વી. જી. લાંબરીયાએ આગળની તપાસ હાથ ધરી છે.